અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને જામનગર એસ.ઓ.જી. દ્વારા તમામ જાહેર સ્થળો પર સધન ચેકિંગ
જામનગર,તા.16 જાન્યુઆરી 2024,મંગળવાર
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને સમગ્ર દેશભરમાં તંત્ર દ્વારા એલર્ટ રખાયું છે, જેના ભાગરૂપે જામનગર શહેરમાં પણ તમામ જાહેર સ્થળો તેમજ ધાર્મિક સ્થળો પર પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જામનગરની એસ.ઓ.જી. શાખાના પી.આઇ. ચૌધરીની આગેવાની હેઠળ એસ.ઓ.જી.ની ટુકડી તેમજ બૉમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડ સહિતની ટીમ દ્વારા સધન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ગઈકાલથી આ ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ છે, અને આગામી 22 તારીખ સુધી અવિરત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જામનગર શહેરના એસ.ટી. ડેપો, રેલવે સ્ટેશન, ઉપરાંત તળાવની પાળ સહિતના ફરવા લાયક સ્થળો, સિનેમાગૃહો, શોપિંગ મોલ તેમજ બાલા હનુમાન મંદિર, ભીડ ભંજન મહાદેવ મંદિર સહિતના ધાર્મિક સ્થળો સહિત શહેરની તમામ જાહેર જગ્યાઓ પર સધન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના સીધા માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.