Get The App

જામનગરમાં 24 કલાકમાં લૂંટેરી દુલ્હનના બે કિસ્સા : ભંગારના વેપારી લૂંટેરી દુલ્હનની ચૂંગાલમાં ફસાયા પછી રૂપિયા 1.60 લાખ ગુમાવ્યા

Updated: Oct 7th, 2024


Google NewsGoogle News
જામનગરમાં 24 કલાકમાં લૂંટેરી દુલ્હનના બે કિસ્સા : ભંગારના વેપારી લૂંટેરી દુલ્હનની ચૂંગાલમાં ફસાયા પછી રૂપિયા 1.60 લાખ ગુમાવ્યા 1 - image

image : Socialmedia

Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં લૂંટેરી દુલ્હનનો એક કિસ્સો બન્યા પછી જામનગર શહેરનો પણ વધુ એક કિસ્સો સામે આવ્યો છે, અને ભંગારનો એક વેપારી લુંટેરી દુલ્હનની ચુંગાલમાં ફસાયો છે, અને એક લાખ સાઈઠ હજારની રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. જે મામલે બે દલાલ અને લુટેરી દુલ્હન સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં રહેતા અને ભંગારનો વેપાર કરતા વિકી ભાઈ પ્રવીણભાઈ નંદા નામના યુવાને પોતાની સાથે કરાર આધારિત લગ્ન રજીસ્ટર કરાવ્યા પછી એક રાત રોકાઈને નાસી છૂટવા અંગે અને પોતાની પાસેથી રૂપિયા એક લાખ સાઈઠ હજારની રકમ પડાવી લેવા અંગે મૂળ નાગપુરની આરતી જગેશ્વર કોનેકર તેમજ જામનગરને બે દલાલ મહિલાઓ સીમાબેન રાજેશકુમાર જોશી અને શીલાબેન મહેતા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

જામનગરના સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાનને લગ્ન કરવાના હોવાથી ગત તારીખ 14.11.2022 ના દિવસે જામનગરની બે દલાલ મહિલાઓ સીમાબેન જોશી અને શીલાબેન મહેતાના સંપર્કમાં આવ્યા પછી નાગપુરની આરતી કોનેકર સાથે મેરેજ કર્યા હતા, અને તેની લગ્નની નોંધણી જામનગર મહાનગરપાલિકામાં કરાવી હતી. જે લગ્ન કરાવવા માટે તેણે 1.60 લાખની રકમ ચૂકવી હતી.

 જેમાં બંને દલાલ મહિલાઓને 20-20 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા, જયારે 1.20 લાખની રકમ આરતીએ પોતાની પાસે રાખી હતી. તે લગ્નની પ્રથમ રાત્રે જામનગર રોકાયા બાદ બીજે દિવસે રફુચક્કર થઈ ગઈ હતી. જેથી તેની શોધ ખોળ કરી હતી, ઉપરાંત બન્ને દલાલ મહિલાઓની સાથે પણ વાતચીત કરી હતીઝ અને પોતાના પૈસા પરત આપવાની માંગણી કરી હતી.

 આટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં પોતાના પૈસા પરત મળ્યા ન હતા, અથવા તો લૂંટેરી દુલ્હન પણ મળી ન હોવાથી આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને લૂંટેરી દુલ્હન આરતી તેમજ બે દલાલ મહિલાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં સીટી એ. ડિવિઝન પોલીસે બે દલાલ મહિલાઓ સીમાબેન તથા શીલાબેનની અટકાયત કરી છે, જ્યારે આરતી કોનેકરની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News