રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ જામનગર RTO નું તંત્ર સતર્ક : સ્કૂલવાનોનું સઘન ચેકીંગ, 1 વાહન કબ્જે, 11 વાહનચાલકોને દંડ
Traffic Drive in Jamnagar : રાજ્ય સહિત જામનગર જિલ્લામાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી બની રહેલી આકસ્મિક ઘટનાઓને લઈ જામનગર જિલ્લા આરટીઓ કચેરી દ્વારા શાળાના વિદ્યાર્થીઓના પરિવહન અર્થે વપરાતાં લાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યની તમામ શાળાઓના ફાયર સેફટીની સુવિદા મામલે લાલ આંખ કરતાં સત્રના પ્રારંભ પૂર્વે જ વહિવટી તંત્ર દ્વારા જિલ્લાની તમામ શાળાઓ અને ટ્યુશન કલાસિસમાં ફરજીયાત ફાયર સુવિધા ઉપલબ્ધ કરાવવાના આદેશ કરાયા હતાં.
ત્યાર બાદ વાહન વ્યવહાર કમિશ્ર્નરની કચેરી દ્વારા સ્કૂલના બાળકોને લાવવા લઈ જવાના પરિવહનમાં માર્ગ સલામતી સુનિશ્ર્ચિત કરવા પરિપત્ર બહાર પાડી તમામ જિલ્લાઓના આર.ટી.ઓ.ને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ જે અંતર્ગત જામનગરના આર.ટી.ઓ. અધિકારીએ છેલ્લા એક સપ્તાહમાં શાળા સંચાલકો અને વાહન ચાલકો સાથે બેઠકો કરી બાળકોની સલામતી માટે જરૂરૂી સૂચનાઓ પણ આપવામાં આવેલ અને આજે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે જે અલગ અલગ ટીમો બનાવી સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાંથી એક વાહનને ડીટેઈન કરવામાં આવ્યું હતું. અને 11 જેટલા વાહનચાલકો પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો.
આ અંગે વધુ વિગત આપતાં જિલ્લા આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે, ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડવા, વાહનના સીએનજીના સિલીન્ડર ટેસ્ટીંગ, પરમીટ, ફિટનેસ સહિત શાળાના બાળકોના પરિવહનના નિયમ અનુસારની જોગવાઈઓનું પાલન કરવામાં આવે છે કે કેમ તે અંગે ખાસ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં 1 વાહન ચાલક પાસે જરૂરી દસ્તાવેજો ન હોવાથી ડીટેઈન કરવામાં આવેલ અને અન્ય 11 વાહન ચાલકો પાસે દંડ વસૂલવામાં આવેલ અને બાળકોની સલામતી અર્થે આ ચેકીંગ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે અને જે પણ વાહન ધારાધોરણનું પાલન કરતું ન હોય તેને ડીટેઈન કરી કાર્યવાહી કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું.