Get The App

જામનગરમાં ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવા અંગે ક્ષત્રિય સમાજના ૧૦૦ મહિલા-પુરુષો સામે ગુનો નોંધાતા ભારે ચકચાર

Updated: Apr 29th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવા અંગે ક્ષત્રિય સમાજના ૧૦૦ મહિલા-પુરુષો સામે ગુનો નોંધાતા ભારે ચકચાર 1 - image


-વોર્ડ નંબર ૬ માં ભાજપ કાર્યાલય ઉદ્ઘાટન સમયે તોડફોડ કરનાર ક્ષત્રિય સમાજના લોકો સામે રાઇટીંગ- તોડફોડ અને ધાક ધમકી અંગે ગુનો નોંધાયો

જામનગર શહેરના વોર્ડ નંબર ૬ માં યાદવ નગરમાં શનિવારે ભાજપ કાર્યાલય ના ઉદઘાટન સમયે ક્ષત્રિય સમાજના મહિલા-પુરુષ સહિતના ટોળાએ હંગામા મચાવી તોડફોડ કરી હતી. જે મામલે આખરે પોલીસે તોડફોડ- રાઇટિંગ- ધાકધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. જેથી ભારે ચકચાર જાગી છે. જામનગરમાં ભાજપ ના કાર્યક્રમો દરમિયાન હંગામા અંગેની પ્રથમ ફરિયાદ નોંધાવાઈ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગતે એવી છે કે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર -૬ માં યાદવ નગર વિસ્તારમાં શનિવારે સાંજે ભાજપના સ્થાનિક કાર્યાલય નો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો, જેમાં સ્થાનિક ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

જે કાર્યક્રમ ના પ્રારંભે રાજપૂત સમાજના ભાઈઓ-બહેનો સહિતના ટોળાએ આવી પહોંચી હંગામા મચાવ્યો હતો, અને સૂત્રોચાર કરીને ખુરશીઓ ઉછાળીને તોડફોડ કરી હતી. તેમજ કેટલાક મહિલા સહિતનાઓએ સ્ટેજ પર પહોંચી જઈ બેનર વગેરે ફાડી નાખ્યા હતા, અને ભાજપના ઝંડા વગેરે ફેંકી દીધા હતા.જે ઘટનાને લઈને ભારે દોડધામ થઈ હતી.

આખરે સમગ્ર મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ક્ષત્રિય સમાજના ૧૦૦ મહિલા- પુરુષો સહિતના ટોળા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જેમાં જયપાલસિંહ રવિન્દ્રસિંહ ઝાલા, હરદીપસિંહ ઉર્ફે બાપુડી દરબાર, નરેન્દ્રસિંહ જાડેજા, ઉપરાંત રાજપુત મહિલાઓમાં મીનાબા મહેન્દ્રસિંહ જાડેજા, પ્રજ્ઞાબા વનરાજસિંહ જાડેજા સહિતના ૧૦૦ સ્ત્રી-પુરુષોના ટોળા સામે રાઇટીંગ- તોડફોડ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ બનાવમાં કેટલાક સીસીટીવી કેમેરા ના ફોટા તેમજ મોબાઇલ ફોનમાં કેદ થયેલા વિડિયો વગેરેની ચકાસણી કરીને ટોળામાં જે કોઈ વ્યક્તિ હાજર હતી, તેની પોલીસ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે. આ ફરિયાદને લઈને ભારે ચકચાર જાગી છે. ભાજપના કાર્યક્રમો દરમિયાન હંગામો મચાવવા અંગેના પ્રકરણમાં જામનગર જિલ્લામાં આ સૌપ્રથમ પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.


Google NewsGoogle News