જામનગર શહેરમાં ટ્રાફિક નિયંત્રણ માટેની ડ્રાઇવ દરમિયાન પોલીસ દ્વારા ડ્રોન કેમેરાનો ઉપયોગ : 18 વાહનો જપ્ત
image : Freepik
Mega Traffic Drive in Jamnagar : જામનગર શહેરમાં ટ્રાફિકના નિયંત્રણ માટે જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાયો છે, અને ખુદ જિલ્લા પોલીસવડા ગઈકાલે ટ્રાફિક ડ્રાઈવમાં જોડાયા હતા, અને દરબારગઢ-શાક માર્કેટ સહિતના ગીચ અને ટ્રાફિક થી ધમધમતા વિસ્તારમાં ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને ટ્રાફિક નિયંત્રણ કરી દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. સાથો સાથ દરબારગઢ વિસ્તારમાં 18 વાહનો ટોઈંગ કરી લેવાયા હતા, જ્યારે 11 શાકભાજીની લારી વાળાઓ સામે આઇપીસી કલમ 283 મુજબની કાર્યવાહી કરાઇ છે.
જામનગર શહેરમાં ટ્રાફિકની વધતી જતી સમસ્યાને લઈને ગઈકાલે શહેરના દરબારગઢ- શાક માર્કેટ સહિતના વિસ્તારમાં ટ્રાફીક ડ્રાઇવ રાખવામાં આવી હતી. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ખુદ ટ્રાફિક ડ્રાઇમાં જોડાયા હતા, અને ટ્રાફિક નિયંત્રણ માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના જણાવ્યા અનુસાર શહેરમાં ટ્રાફિક નિયંત્રણ માટે સપ્તાહમાં એક વખત મેગા ટ્રાફિક ડ્રાઈવ યોજાશે, અને ડ્રોન કેમેરાની મદદ લઈને ટ્રાફિકને નિયંત્રણ કરવામાં આવશે. અને ટ્રાફિક નિયમનો ભંગ કરનારાઓ સામે દંડકીય કાર્યવાહી હાથ ધરાશે.
જામનગરના દરબારગઢ સહિતના વિસ્તારમાં ટ્રાફિક શાખાના પી.આઈ. એમ.બી. ગજ્જરની આગેવાનીમાં મેગા ટ્રાફિક યોજવામાં આવી હતી, અને દરબારગઢ સર્કલ સહિતના વિસ્તારમાં લાંબા સમયથી પડ્યા રહેલા અને ધૂળ ખાતા વાહનો સહિત કુલ 18 વાહનો જેમાં ઓટો રીક્ષા, સ્કૂટર વગેરેને ટોઈંગ કરી લેવામાં આવ્યા છે, અને પોલીસ હેડ ક્વાટર્સમાં મૂકી દેવાયા છે. જે વાહનચાલકો સામના માલિકો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ ઉપરાંત શાક માર્કેટ સહિતના વિસ્તારમાં ટ્રાફિકને અડચણ રૂપ હોય તેવી 11 શાકભાજીની રેકડીના રેકડી ધારકો સામે પણ આઈપીસી કલમ 283 મુજબ કાર્યવાહી હાથ ધરી 11 શાકભાજીની લારી કબજે કરી લેવામાં આવી છે.