જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા હાલારના બન્ને જિલ્લાઓમાં ફરીથી વીજ ચેકીંગની કાર્યવાહીથી દોડધામ
ગઈકાલે જામનગર નજીક ના ગ્રામ્ય વિસ્તાર તથા લાલપુર અને જામજોધપુર પંથકમાંથી ૨૪.૧૩ લાખની વિજ ચોરી ઝડપાઈ
જામનગર, તા. 13 ફેબ્રુઆરી 2024 મંગળવાર
જામનગર પીજીવીસીએલ ની વર્તુળ કચેરી દ્વારા ગઈકાલે સોમવારથી હાલારના બન્ને જિલ્લાઓમાં ફરીથી વિજ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેના પ્રથમ દિવસે ગઈકાલે જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તેમજ લાલપુર અને જામજોધપુર પંથકમાં ચેકિંગ હાથ ધરી રૂપિયા ૨૪.૧૩ લાખ ની વિજ ચોરી ઝડપી લેવાઇ છે, ત્યારે આજે સતત બીજા દિવસે ખંભાળિયા તેમજ ધ્રોલ પંથકમાં વીજ ચેકિંગની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા પખવાડિયાના વિરામ પછી ગઈકાલે ફરીથી વીજ ચેકિંગ શરૂ કરી દેવાયું હતું, અને કુલ ૪૧ જેટલી ચેકિંગ ટુકડીને દોડતી કરાવાઈ હતી. જામનગર તાલુકાના દડીયા, મોખાણા, લાવડીયા, ઢંઢા સહિતના ગામોમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
તે જ રીતે જામજોધપુર તાલુકાના બાલવા, ચુર, વસંતપુર, ઈશ્વરીયા, વેરાવળ સહિતના ગામોમાં વિજ ચેકીંગ ટુકડીને ઉતારવામાં આવી હતી, સાથોસાથ લાલપુર તાલુકાના મુરીલા, મેમાણા, ગજણા સહિતના ગામોમાં પણ વિજ ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને સમગ્ર દિવસ દરમિયાન ૪૨૧ વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા, જે પૈકી ૮૫ વિજ જોડાણ માં વિજ ચોરી થતી હોવાનું માલુમ પડયું હતું, અને તેઓને ૨૪.૧૩ લાખના પુરવણી બિલો ફટકારવામાં આવ્યા છે.
દરમ્યાન આજે સતત બીજા દિવસે પણ ચેકિંગ ની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે, અને જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં વિજ ચેકીંગ ચાલુ રખાયું છે. જેથી વીજચોરોમાં ફફડાટ મચી ગયો છે.