રાજકોટના અપહરણના ગુનાના ફરારી આરોપી અને ભોગ બનનારને જામજોધપુર પંથકમાંથી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે ઝડપી લીધા
image : Freepik
જામનગર,તા.24 જાન્યુઆરી 2024,બુધવાર
જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમેં રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસતા ફરતા રહેલા આરોપી તથા ભોગ બનનારને જામજોધપુર તાલુકાના બાવડીદળ ગામેથી પકડી પાડ્યા છે, અને રાજકોટ પોલીસને સુપ્રત કરી દીધા છે.
આ કાર્યવાહી અંગેની વિગતો એવી છે કે જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી લેવા માટેની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, દરમિયાન રાજકોટ શહેરના આજી ડેમ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં ફરાર થયેલા આરોપી મિલન વિઠ્ઠલભાઈ નારીયા નામના 24 વર્ષના શખ્સ કે જે ભોગ બનનારને ઉઠાવી ગયો છે, અને હાલ જામજોધપુર તાલુકાના બાવડીદળ ગામમાં સંતાયો છે, તેવી બાતમીના આધારે ગઈકાલે મોડી રાત્રે દરોડો પડ્યો હતો.
અને દરોડા દરમિયાન મૂળ બાવડીદળ ગામના વતની અને હાલ રાજકોટમાં મવડી પ્લોટ વિસ્તારમાં રહેતા મિલન વિઠલભાઈ નારીયા (ઉમર વર્ષ 24) ને ઝડપી લીધો હતો.જેની સાથે ભોગ બનનાર પણ મળી આવી હોવાથી તેનો કબજો સંભાળી રાજકોટ આજી ડેમ પોલીસ સ્ટેશનની ટીમને જાણ કરી હતી, અને બંનેનો કબજો સોંપી દીધો છે.