જામનગર : કાલાવડના નિકાવા ગામની ખાનગી ફૂડ પ્રોસેસ કંપનીમાં કામ કરી રહેલા 7 જેટલા શ્રમિકો તળાવમાં નાહવા પડ્યા : એક યુવાન ડૂબ્યો
Youth Drowning in Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં આવેલી એક ફૂડ પ્રોસેસ કંપનીમાં કામ કરી રહેલા સાત જેટલા કર્મચારીઓ ગઈકાલે રવિવારની રજાના દિવસે પીપર ગામની સીમમાં આવેલા એક તળાવમાં નાહવા પડ્યા હતા જ્યાં ડૂબી જવાના કારણે જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના ગામના એક યુવાનનું મૃત્યુ નીપજ્યું છે.જેની સાથે ન્હાવા પડેલા અન્ય મિત્રોએ બચાવવાના અનેક પ્રયત્નો કર્યા હતા, પરંતુ બચાવી શક્યા ન હતા.
આ બનાવની વિગત એવી છે કે મૂળ જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના ગામના વતની અને કાલાવડના નીકાવા નજીક આવેલી એક ફૂડ પ્રોસેસિંગ કંપનીમાં રહીને મજૂરી કામ કરતો દેવ કરસનભાઈ ભરડા નામનો 19 વર્ષનો યુવાન ગઈકાલે રવિવારની રજા હોવાથી પોતાની સાથે કામ કરતા અને રૂમ પાર્ટનર રહેતા સાત જેટલા મિત્રોની સાથે કાલાવડ તાલુકાના પીપર ગામની સિમમાં આવેલા કરસનકુઈ નામના તળાવમાં નાહવા માટે ગયા હતા, જયાં તમામ મિત્રો સ્નાન કરી રહ્યા હતા, તે દરમિયાન દેવ એકાએક ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો.
અન્ય મિત્રોએ તેને બચાવવા માટેના અનેક પ્રયત્નો કર્યા હતા, પરંતુ દેવનું ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. તેથી અન્ય મિત્રોએ બુમાબુમ કરી મૂકી હતી.
સમગ્ર બનાવ અંગે મૃતક દેવની સાથે જ કામ કરી રહેલા પરેશ જીવાભાઈ વાસણ નામના અન્ય એક યુવાને કાલાવડ ગ્રામ્ય પોલીસને જાણ કરતાં પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ હતી અને તળાવમાંથી દેવ કરસનભાઈ ભરડાના મૃતદેહને બહાર કઢાવ્યો હતો, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.