જામનગર : ધ્રોળના વાહનચાલકને નકલી પોલીસનો ભેટો, ભંગારની હેરાફેરીના આરોપમાં ફસાવવાની ધમકી આપી પડાવ્યા પૈસા
Jamnagar Crime News : જામનગર જિલ્લાના ધ્રોલમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા એક બોલેરો ચાલક યુવાનને પોતાના વાહનમાં ચોરાઉ ભંગારની ફેરી કરે છે, તેમ જણાવી જોડીયા પોલીસની ખોટી ઓળખ આપીને રૂપિયા 10,000 ની માંગણી કર્યા પછી 1,000 રૂપિયા પડાવી લીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. પોલીસ બંને આરોપીઓને શોધી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોળમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા ભુપતભાઈ રણછોડભાઈ મકવાણા નામના 32 વર્ષના યુવાને પોતાની સાથે ચોરાઉ ભંગારની હેરાફેરીનો આરોપ મૂકીને પતાવટ કરવા માટે નકલી પોલીસની ઓળખ આપી રૂપિયા 10,000 ની માંગણી કર્યા પછી 1,000 રૂપિયા પડાવી લેવા અંગે ધ્રોળ તાલુકાના વાગુદડ ગામના જયદીપ લાંબરીયા તેમજ ધ્રોલમાં રહેતા માંડાભાઈ ભરવાડ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી યુવાન પોતાના ઘેર હતો દરમિયાન થોડા દિવસ પહેલા માંડાભાઈ ભરવાડનો ફોન આવ્યો હતો, અને જણાવ્યું હતું કે જોડિયાના રાજદિપસિંહ જમાદાર કે જે તારા વાહનની પાછળ પોતાની કારમાં આવતા હતા, અને તેણે ભંગારની ગેરકાયદે હેરાફેરી થતી હોવાનું જોયું હતું, જેથી આ મામલે પતાવટ કરી નાખવી હોય તો દસ હજાર રૂપિયા અને દારૂની બે બાટલી આપવી પડશે તેમ કહ્યું હતું.
પરંતુ પોતાની પાસે કોઈ સગવડ ન હોવાથી પૈસા આપ્યા ન હતા. દરમિયાન જયદીપ લાંબરીયા નામના શખ્સે પોતાના મોબાઈલ ફોનમાંથી ફરિયાદી ભૂપતભાઈ ને ફોન કર્યો હતો, અને પોતાની જોડિયાના જમાદાર રાજદીપસિંહ તરીકેની ઓળખ આપી હતી, અને કાલે પોલીસ સ્ટેશનમાં આવી જજો. જેનાથી ડરીને ફરિયાદી યુવાને તરત જ માંડાભાઈ ભરવાડને ફોન કર્યો હતો, અને પતાવટ કરવાની વાત કરતાં સૌપ્રથમ હાલ દારૂની બે બોટલના પંદરસો રૂપિયા આપવાની વાત કરી હતી, પરંતુ ફરીયાદી યુવાન પાસે માત્ર 1,000 રૂપિયા હતા, જે આપી દીધા હતા. ત્યારબાદ તેણે પોતાના મોબાઈલ ફોનમાં બંને વ્યક્તિના કોલ રેકોર્ડ કરીને રાખી દીધા હતા, જ્યારે ટ્રુ-કોલર મારફતે તપાસ કરાવટ પોલીસની ઓળખ આપનાર જયદીપ લાંબરીયા અને વાગુદડ ગામનો હોવાનું જાણવા મળ્યું હતું. અને પોતાની સાથે બનાવટ કરીને પૈસા પડાવવાનો કારસો થઈ રહ્યો હોવાનું ધ્યાનમાં આવતાં સમગ્ર મામલાને ધ્રોલ પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જ્યા ધ્રોળ પોલીસે બંને આરોપીઓ સામે જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને હાલ બંને ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.