જામનગર : વિભાપર ગામમાં ગરમીના કારણે છત પર સૂઈ રહેલા યુવાનનો નિંદ્રાધીન અવસ્થામાં મોબાઈલ ફોન ચોરાયો
Mobile Theft Case in Jamnagar : જામનગર શહેરમાં વાહન ચોર તેમજ મોબાઇલ ફોન ચોર ટોળકી ફરીથી સક્રિય બની છે. જામનગરમાં સંતોષી માતાજીના મંદિર પાસે પાર્ક કરવામાં આવેલા એક એક્ટિવા સ્કૂટરની ચોરી થઈ છે. જ્યારે કાલાવડ નાકા બહાર જાહેર શૌચાલયમાં આવેલા એક વેપારીનો મોબાઇલ ફોન ચોરાયો છે. તેમ જ વિભાપરમાં ગરમીના કારણે છત પર સૂઈ રહેલા એક યુવાનનો નિંદ્રાધીન અવસ્થામાં મોબાઈલ ફોન ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
જામનગરમાં સ્વામિનારાયણ નગરમાં રહેતા અને મિસ્ત્રી કામ કરતા મહેશ મોહનભાઈ જેઠવા નામના 45 વર્ષના યુવાને ખોડીયાર કોલોની પેટ્રોલ પંપની બાજુમાં પાર્ક કરેલું પોતાનું એકટીવા સ્કૂટર કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
જામનગરમાં ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા એક વેપારી કે જેઓ કાલાવડ નાકા બહાર મટન માર્કેટ પાસે આવેલા જાહેર શૌચાલયમાં ગયા હતા, અને પોતાનો મોબાઈલ ફોન બહાર રાખ્યો હતો, ત્યાંથી કોઈ તસ્કરો તેઓનો રૂપિયા 15,000ની કિંમતનો મોબાઇલ ફોન કોઈ તસ્કર ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં કરી છે.
આ ઉપરાંત જામનગર તાલુકાના વિભાપર ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળજીભાઈ કાળાભાઈ મકવાણા નામના શ્રમિક યુવાને ગરમીના કારણે પોતે છત પર સૂતો હતો, અને પોતાનો મોબાઈલ બાજુમાં રાખ્યો હતો. જે નિંદ્રાધીન અવસ્થામાં હતો, દરમિયાન કોઈ તસ્કરો તેનો રૂપિયા 9,950 ની કિંમતનો મોબાઇલ ફોન ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.