Get The App

કાલાવડના કોટનના બે વેપારીઓને રાજસ્થાન બોલાવી લૂંટી લેનાર બે લુટારુંઓને જામનગર LCBની ટીમે રાજસ્થાનના અલવરમાંથી ઝડપી લીધા

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
કાલાવડના કોટનના બે વેપારીઓને રાજસ્થાન બોલાવી લૂંટી લેનાર બે લુટારુંઓને જામનગર LCBની ટીમે રાજસ્થાનના અલવરમાંથી ઝડપી લીધા 1 - image

જામનગર,તા.03 ઓક્ટોબર 2023,મંગળવાર

જામનગર જિલ્લાના કાલાવડ પંથકના વેસ્ટ કોટનના બે વેપારીઓને વેસ્ટ કોટન ખરીદવાની લાલચ આપી રાજસ્થાન બોલાવી રૂપિયા છ લાખ પંદર હજારની લુંટ ચલાવવા અંગેના પ્રકરણમાં તપાસનો દોર રાજસ્થાનના અલવર સુધી લંબાઇ ત્યાંથી બે લૂંટારુંઓને ઝડપી લીધા છે, અને જામનગર લઈ આવી વધુ પૂછપરછ હાથ ધરી છે. તેઓની પૂછ પરછ દરમિયાન વધુ ચાર સાગરીતોના નામો ખુલ્યા છે.

આ બનાવની વિગત એવી છે કે કાલાવડના ખોડીયાર પરામાં રહેતા અને કોટન વેસ્ટનો વેપાર કરતા મૌલિકભાઈ ડાયાભાઈ સાવલિયા અને તેમના મિત્ર ભાવેશભાઈ કે જે બંનેને સસ્તા ભાવે કોટન વેસ્ટ આપવા બાબતે રાજસ્થાનના અલવરના કેટલાક શખ્સો એ રાજસ્થાન બોલાવી લીધા પછી તેઓને એક સ્થળે ગોંધી રાખી રૂપિયા 6,15,000 ની લૂંટ ચલાવી હતી, ત્યારબાદ બંને યુવાનોને છોડી દેવાયા હતા.

તેઓએ જામનગર આવ્યા પછી કાલાવડ પોલીસ મથકમાં પોતાને ગોંધી રાખીએ રૂપિયા 6.15 લાખની લૂંટ ચલાવવા અંગે કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, અને રાજસ્થાનની ટોળકીનું કારસ્તાન હોવાનું જણાવ્યું હતું.

જેથી જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સુચના થી એલસીબીની ટુકડીએ રાજસ્થાનમાં ધામા નાખ્યા હતા, અને અલવર જિલ્લામાંથી શેહરૂનખાન શરીફખાન મેવ, તેમજ અરસદ ખાન હમીદખાન ભૂરેખા બંનેની અટકાયત કરી લીધી હતી, અને તેઓને જામનગર લઈ આવ્યા પછી કાલાવડ ટાઉન પોલીસ મથકમાં સુપ્રત કરી દેવામાં આવ્યા છે, ત્યારે પોલીસ દ્વારા તેઓ પાસેથી રૂપિયા 3500 ની રોકડ રકમ અને મોબાઇલ ફોન વગેરે કબજે કરવામાં આવ્યા છે.

દરમિયાન આ કાવતરું રચવામાં તેઓની સાથે રાજસ્થાન પંથકના અન્ય ચાર લૂંટારુઓ પણ જોડાયા હતા, અને તેઓના નામ મુસ્તકીમ હબીબખાન, સમસૂ મુસ્લિમ, વસીમ હાકમદિન મેવ અને નશિમ હનીફખાન મેવ વગેરે પણ આ લુંટની ઘટનામાં જોડાયા હોવાથી તેઓની શોધ ખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News