જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ વિના વિઘ્ન મતદાન સંપન્ન, એક પણ EVM બગડ્યું નહીં
જામનગર, તા. 28 ફેબ્રુઆરી 2021, રવિવાર
જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માં તેમજ સિક્કા નગરપાલિકાની ચૂંટણીમાં ગોઠવવામાં આવેલા EVM મશીનો પૈકી એક પણ ઇવીએમ મશીન બગાડયું ન હોવાના અહેવાલો મળ્યા છે. સાથો સાથ એક પણ મતદાન મથકે ઘર્ષણ અથવા અનિચ્છનીય ઘટના બની હોય તેવા અહેવાલો મળ્યા નથી, અને એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે.
જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લાના કુલ 705 મતદાન મથકો પર EVM મશીનો ગોઠવીને મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે તમામ મતદાન મથકો માં એક પણ મશીન બગડી ગયું હોય તેવા અહેવાલો મળ્યા નથી. અને તમામ મતદાન મથકો પર સવારે સાત વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે.
એટલું જ માત્ર નહીં કોઈ પણ મતદાન મથક પર ઘર્ષણ અથવા તો અનિચ્છનીય ઘટના બની ન હતી, અને સમગ્ર જિલ્લા માં ચૂંટણીની પ્રક્રિયા એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. જેથી તંત્ર માટે ખૂબ જ રાહતના સમાચાર છે.