જામનગરના સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં ફૂડ શાખા ત્રાટકી: મીઠાઈ-ફરસાણના 30થી વધુ સેમ્પલો લેવાયા
જામનગર,તા.08 નવેમ્બર 2023,બુધવાર
જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા દશેરાના તહેવારથી દિવાળીના તહેવારના દિવસો દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં આરોગ્ય લક્ષી ખોરાક અંગે સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે તેમ જ દિવાળીના તહેવારને અનુલક્ષીને આજે સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં સામુહિક રીતે ચેકિંગ હાથ ધરી 30થી વધુ નમુનાઓ એકત્ર કરવામાં આવ્યા છે.
જામનગરના સેન્ટ્રલ બેન્ક રોડ પર સંખ્યાબંધ મીઠાઈ ફરસાણની દુકાનો આવેલી છે, ત્યારે તેમાં બની રહેલી મીઠાઈ આરોગ્ય લક્ષી છે કે કેમ કે તેમાં ભેળસેળ થઈ રહ્યું છે. જે સમગ્ર બાબતે તપાસવાના ભાગરૂપે આજે જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખાની જુદી જુદી ટુકડીઓ દ્વારા સામુહીક રીતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું,
એકાદ ડઝનથી વધુ દુકાનોમાંથી મીઠાઈ-ફરસાણ વગેરેના 30 થી વધુ સેમ્પલો એકત્ર કરી લેવામાં આવ્યા છે, અને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલાવ્યા છે. જેના રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી થશે. ઉપરાંત વેપારીઓને હાઈજેનિક કન્ડિશનમાં રાખેલા ખોરાકનું જ વેચાણ કરવા તેમજ મીઠાઈ ફરસાણ વગેરે સામગ્રીને સંપૂર્ણપણે ઢાંકીને તેનું વેચાણ કરવાની સૂચના અપાઇ છે.