જામનગર : ધ્રોળના ભેંસદડ ગામનો ખેડૂત ઇંગ્લિશ દારૂ સાથે પકડાયો : સપ્લાયરનું નામ ખુલ્યું
image : Freepik
Liquor Crime in Jamnagar : જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના ભેંસદડ ગામમાં રહીને ખેતી કામ કરતા એક ખેડૂતના વાડામાં પોલીસે દરોડો પાડી 52 નંગ ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો કબજે લઈ ખેડૂતની અટકાયત કરી છે. જ્યારે તેને દારૂ સપ્લાય કરનાર ઝાખરના બુટલેગરને ફરાર જાહેર કરાયો છે.
ધ્રોલ પોલીસને બાતમી મળી હતી, કે ભેંસદડ ગામમાં રહેતો અને ખેતી કામ કરતો આશિષ ખીમજીભાઈ વઘોરા નામનો ખેડૂત પોતાના વાડામાં ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો સંતાડીને તેનું ખાનગીમાં વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના આધારે ધ્રોળ પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન જુદી જુદી બ્રાન્ડની 52 નંગ ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો.
જેથી પોલીસે ઈંગ્લીશ દારૂ અને મોબાઈલ સહિત 29,000 ની માલમતા કબજે કરી લઈ ખેડૂત યુવાનની અટકાયત કરી લીધી છે. પોલીસની પૂછપરછ દરમિયાન તેને ઉપરોક્ત દારૂ લાલપુર તાલુકાના ઝાખર ગામના પાર્થ મકવાણા નામના બુટલેગરે સપ્લાય કર્યો હોવાથી તેને ફરાર જાહેર કરી શોધ ખોળ હાથ ધરી છે.