‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત જામનગર જિલ્લામાં આગામી બે માસ સુધી ‘સ્વચ્છતા ઝુંબેશ’ નું આયોજન

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત જામનગર જિલ્લામાં આગામી બે માસ સુધી ‘સ્વચ્છતા ઝુંબેશ’ નું આયોજન 1 - image


- જિલ્લાની સેવાભાવી સંસ્થાઓ, મંડળો, વિવિધ એસોશિએશનો આ ઝુંબેશમાં સહભાગી થઇને જામનગરને વધુ સ્વચ્છ-સુંદર બનાવવા પોતાનું યોગદાન આપશે

જામનગર,તા.12 ઓક્ટોબર 2023,ગુરૂવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તા.15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી યોજાયેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત જામનગર જિલ્લામાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સ્વચ્છતા પ્રેમી નાગરિકો સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા આહૃવાનને સફળ બનાવવા ગુજરાતને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાના ધ્યેય સાથે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં આગામી બે મહિના સુધી જનભાગીદારીથી ‘સ્વચ્છતા ઝુંબેશ’ હાથ ધરવામાં આવશે. 

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે, "દરેક વ્યક્તિએ પોતાનો સફાઈ કામદાર થવું જોઈએ અને પોતાનો કચરો પોતે જ ઉઠાવવો જોઈએ". મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે તેમના સ્વચ્છતા અંગેના આદર્શ વિચારોને સાર્થક કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય દ્વારા પણ આ અભિયાનને વધુમાં વધુ વ્યાપક બનાવવા જનભાગીદારી થકી વિવિધ સફાઈ કાર્યક્રમોનું આયોજન કરાયું.

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ‘નિર્મળ ગુજરાત’ના આપેલા વિચારને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને વધુ સ્વચ્છ-સુઘડ બનાવવાની નેમ સાથે રાજ્યની સેવાભાવી સંસ્થાઓ, મંડળો, વિવિધ એસોશિએશનો સ્વેચ્છાએ સહભાગી થઇને જામનગર જિલ્લાને વધુ સ્વચ્છ બનાવવા પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યાં છે. આગામી બે માસ સ્વચ્છતા અભિયાનને જનઆંદોલન બનાવવા જામનગર સહિત જિલ્લાનાં વિવિધ શહેરોના જાહેર સ્થળો, તીર્થધામો, ધાર્મિક સ્થળો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, શાળા-કોલેજમાં સ્વચ્છતાની થીમ પર મેગા ડ્રાઇવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 

શહેરી વિસ્તારોમાં મહાનગરના પ્રવેશ માર્ગોથી પાંચ કિલોમીટરની હદના વિસ્તારોમાં, નગરપાલિકા વિસ્તારોમાં પ્રવેશ માર્ગોથી બે કિલોમીટર તથા ગ્રામ પંચાયત વિસ્તારોમાં મુખ્ય માર્ગો સાથે જોડાયેલા ગ્રામ્ય વિસ્તારોમાં જનસહયોગથી દર રવિવારે સફાઈ ઝૂંબેશ હાથ ધરાશે.આગામી બે માસમાં જનભાગીદારીથી ગુજરાતને વધુને વધુ સ્વચ્છ અને સુંદર બનાવી સૌ સાથે મળીને ‘સ્વચ્છતા હી સેવા’ મંત્રને સાર્થક કરીએ.



Google NewsGoogle News