જામનગર જિલ્લાના આરોગ્યતંત્ર દ્વારા અતિવૃષ્ટિ બાદ રોગચાળો અટકાવવા માટેની સધન કાર્યવાહી હાથ ધરાઈ
Jamnagar News : જામનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે રોગચાળાની પરિસ્થિતિ ઉદભવે નહીં તેમજ લોકોનું આરોગ્ય સલામત જળવાઈ રહે તેવા હેતુસર રાજ્ય સરકારની સુચના અનુસાર જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના નિર્દેશ મુજબ સમગ્ર જામનગર જિલ્લામાં રોગ અટકાયત કામગીરી સઘન બનાવવામાં આવી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયાના માર્ગદર્શન હેઠળ તમામ 256 જેટલા પેટા, પ્રાથિમક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ચાલું રાખવામાં આવેલા હતા, અને આરોગ્ય કમૅચારીઓની 209 જેટલી ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ કરી તાવના 129, શરદી ઉધરસના 60 અને ઝાડાના 17 જેટલા કેસોને સારવાર આપવામા આવી હતી.
તેમજ ગ્રામ્ય કક્ષાએથી કરવામાં આવતા ક્લોરીનેશન મોનીટરીંગના 362 ટેસ્ટ કરીને જરૂરિયાત મુજબ 11760 જેટલી કલોરીન ગોળીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનું સઘન મોનીટરીંગ, સુપરવિઝન અને માર્ગદર્શન તમામ જિલ્લા અધિકારીઓ, તાલુકા હેલ્થ ઓફિસરો તથા જિલ્લા સુપરવાઈઝર વી.પી.જાડેજા, નીરજ મોદી અને ડીપીસી યજ્ઞેશ ખારેચા દ્વારા કરવામાં આવ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા દ્વારા મોટીખાવડી, પડાણા, મેઘપર, કાનાલુસ વગેરે વિસ્તારોમાં જાત તપાસ કરી ગુણવત્તાયુક્ત કામગીરી માટે નિર્દેશો આપ્યા હતા.