જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં તાપમાનનો પારો ચાર ડીગ્રી ગગડતાં ઠંડીનો ચમકારો અનુભવાયો
image: Freepik
જામનગર,તા.6 ડિસેમ્બર 2023,બુધવાર
ગુજરાત રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં સર્જોયેલા માવઠાના માહોલના કારણે છેલ્લા એક સપ્તાહથી ઠંડીમાં વધઘટ જોવા મળી હતી. પરંતુ હવે આ માહોલ વિખેરાતાં અને લઘુત્તમ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.
જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનનો પારો ચાર ડીગ્રી નીચે ગગડતાં રાત્રિના સમયે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. જો કે મહત્તમ તાપમાન 28.0 ડીગ્રી નોંધાતાં બપોરના ભાગે હુંફાળો માહોલ અનુભવાયો હતો. જામનગર પંથકમાં આજે સવારના ભાગે ઝાકળવર્ષાથી ઠારની પણ અનુભુતી થઈ હતી.
જામનગર શહેરમાં આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 18.0 ડીગ્રી મહત્તમ તાપમાન 27.5 ડીગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 87 ટકા અને પવનની ગતિ પ્રતિ કલાકના 25 કી.મી.ની ઝડપે નોંધાઇ છે.