Get The App

જામનગરના આદર્શ સ્મશાન અને મોક્ષ મંદિર સ્મશાન ચાર દિવસ બાદ સાફ-સફાઈ પછી આજથી કાર્યરત

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
જામનગરના આદર્શ સ્મશાન અને મોક્ષ મંદિર સ્મશાન ચાર દિવસ બાદ સાફ-સફાઈ પછી આજથી કાર્યરત 1 - image


Jamnagar News : જામનગરના માણેકબાઈ સુખધામ આદર્શ સ્મશાન ગૃહમાં પૂરના પાણી ઘૂસી ગયા હોવાથી છેલ્લા ચાર દિવસથી અગ્નિદાહની પ્રક્રિયાઓ અટકી ગઈ હતી. ગઈકાલે જ્યારે પૂરના પાણી ઓસરી ગયા છે, ત્યારે આજે સ્મશાન વ્યવસ્થા કમિટી દ્વારા યુદ્ધના ધોરણે સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને એક પછી એક બંને ભઠ્ઠી શરૂ કરી અગ્નિદાહ આપવાની પ્રક્રિયાઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

જામનગરના આદર્શ સ્મશાન ગૃહમાં સાતમના તહેવારના દિવસે સાંજે પડેલા ભારે વરસાદ બાદ ધીમે ધીમે પાણી ભરાવાનું શરૂ થયા બાદ બે દિવસ દરમિયાન સમગ્ર પરિસર સરોવરમાં પલટાઈ ગયું હતું. આખરે નદીના પૂરના પાણી ગઈકાલે ઓસર્યા હતા, અને આદર્શ સ્મશાન વ્યવસ્થા સમિતિના સેક્રેટરીની રાહબરી હેઠળ સફાઈ કર્મચારીઓની મોટી ફોજ ઉતારીને યુદ્ધના ધોરણે નદીના પ્રવાહની સાથે આવેલો કચરો સાફ કરવામાં આવી રહ્યો છે.

સ્મશાનની અંદર આવેલી બંને ભઠ્ઠીઓ કે જે સંપૂર્ણપણે સાફ કરી લેવાયા પછી આજે સવારે એક ભઠ્ઠીમાં અગ્નિદાહની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી, અને બીજી ભઠ્ઠીનું પરિસર પણ સાફસૂથરૂ બનાવી દેવાયા પછી તે ભઠ્ઠીને પણ કાર્યરત કરી દેવામાં આવી છે.

ચાર દિવસના વિરામ બાદ અને યુદ્ધના ધોરણે સાફ-સફાઈ તથા જરૂરી ટેકનીકલ કાર્યવાહી હાથ કરી લેવાતાં આખરે આજથી આદર્શ સ્મશાનની બંને ભઠ્ઠીઓ કાર્યરત થઈ ચૂકી છે, અને અગ્નિદાહ આપવા માટેની પ્રક્રિયાઓ સંપૂર્ણપણે કાર્યરત કરી દેવામાં આવી છે.

જામનગરના આદર્શ સ્મશાન અને મોક્ષ મંદિર સ્મશાન ચાર દિવસ બાદ સાફ-સફાઈ પછી આજથી કાર્યરત 2 - image

ગાંધીનગર સ્થિત મોક્ષ મંદિર સ્મશાન ગૃહ કાર્યરત રહેતાં પરિવારોને રાહત

જામનગરમાં અતિ ભારે વરસાદના પગલે મૃતક નાગરિકોના અંતિમ સંસ્કારની તાકિદની વ્યવસ્થા ગાંધીનગર રેલવે સ્ટેશન નજીકના મોક્ષ મંદિર સ્મશાન ગૃહ ખાતે કરવામાં આવતાં શોક સંતપ્ત પરિવારીને રાહત મળી હતી. 

ગાંધીનગર સ્થિત મોક્ષ મંદિર સ્મશાન ગૃહમાં અતિ વરસાદના પગલે પણ કોઈ નુકશાની કે ક્ષતિ થઈ નથી. પરંતુ વીજ પુરવઠો બંધ રહેતાં સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા તાત્કાલીક ડીઝલ જનરેટર સેટ મુકીને મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. 

હવે, વીજ પુરવઠો બંધ હશે ત્યારે પણ ગાંધીનગરનું મોક્ષ મંદિર સ્મશાન ગૃહ કાર્યરત રહેશે. 


Google NewsGoogle News