જામનગરના બેડી વિસ્તારના ચકચારી લેન્ડ ગ્રેબિંગ કેસમાં સાયચા બંધુઓની જામીન અરજી રદ કરતી અદાલત
Jamnagar Court : જામનગરના બેડી વિસ્તારમાં સરકારી જમીનમાં ગેરકાયદે બંગલાઓ ખડકી દેવા અંગેના લેન્ડ ગ્રેબિંગ અંગેના કેસમાં જેલવાસ ભોગવી રહેલા કુખ્યાત સાયચા ગેંગના બે આરોપીઓની રેગ્યુલર જામીન અરજી અદાલત દ્વારા રદ કરવામાં આવી છે. જામનગરની મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર હિતેશભાઈ દ્વારા તારીખ 6.3.2024 ના દિવસે બેડી વિસ્તારના કુખ્યાત આરોપી ઈમ્તિયાઝ નૂરમામદ સાયચા તેમજ તેના ભાઈ સિકંદર સાયચા સામે બેડી વિસ્તારમાં જ આવેલી સરકારી જમીન ઉપર દબાણ કરીને બંગલા બનાવી લેવા અંગે લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં દાખલ કરાવાયો હતો.
દરમિયાન પોલીસ દ્વારા ઉપરોક્ત લેન્ડ ગ્રેબિંગ અંગેના કેસમાં ઈમ્તિયાઝ સાયચા અને સિકંદર સાયચાની ધરપકડ કરી લેવામાં આવી હતી, અને બંનેને જેલમાં ધકેલી દેવાયા હતા. તે જ રીતે રજાક સાયચા તથા હનીફ સાયચા સામે પણ લેન્ડ ગ્રેબિંગનો બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે ગુનામાં પણ બંને આરોપીઓની ધરપકડ કરી લેવાઈ હતી, અને તેઓને પણ જેલમાં ધકેલાયા હતા. દરમિયાન પકડાયેલા ચારેય આરોપીઓ પૈકીના હનીફ નૂરમામદ સાયચા અને ઈમ્તિયાઝ નૂરમામદ સાયચા દ્વારા જામનગરની સ્પેશ્યલ લેન્ડ ગ્રેબિંગ સેસન્સ અદાલતમાં જુદી જુદી જામીન અરજીઓ કરવામાં આવી હતી.
જેની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પિયુષ.જે.પરમાર દ્વારા અદાલત સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે ઉપરોક્ત આરોપીઓ દ્વારા સર્વે નંબર 40 ની સરકારી જમીન ઉપર દબાણ કરીને બે માળના મોટા મકાનો બાંધવામાં આવ્યાનો આરોપ છે, ઉપરાંત તેઓ બેડી વિસ્તારમાં માથાભારે તત્વની શાખ ધરાવે છે. તેઓ સાક્ષી પુરાવા સાથે ચેડા કરશે તેવી પુરી શક્યતા છે. જે સુનાવણી દરમિયાન રજૂઆતો સાંભળી તમામ દલીલોને ગ્રાહ્ય રાખીને લેન્ડ ગ્રેબિંગના એક જ વિસ્તારના બે કેસમાં થયેલી જુદી જુદી બે જામીન અરજી મેજી. એમ.આર.ચૌધરીએ રદ કરી છે.