જામનગરમાં રાહુલ ગાંધીનું પુતળુ બાળવાનો પ્રયાસ કરનારા ભાજપના કાર્યકરો સામે હળવી કલમ લગાવવાના મામલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
- 'એકને ગોળ અને એક ને ખોડ' જેવી રીતરસમ બંધ કરી ભાજપના કાર્યકરો સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગણી
જામનગર,તા.10 ફેબ્રુઆરી 2024,શનિવાર
જામનગર શહેરમાં ગઈકાલે ભાજપના બક્ષીપંચ મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું, ત્યારે માત્ર આઠ કાર્યકરોને માત્ર ડીટેઇન કરાયા હતા, જેની સામે કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો છે, અને એક ગોળ અને એકને ખોળ જેવી રીતરાસમ બંધ કરીને ભાજપના કાર્યકરો સામે પણ ફોજદારી કાર્યવાહી કરવા માટેની માંગણી સાથે આજે જિલ્લા પોલીસવડાની કચેરીએ આવેદનપત્ર પાઠવાયું છે.
જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજાની રાહબરી હેઠળ જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, તથા અન્ય કોંગી કોર્પોરેટરો અને અન્ય કાર્યકરોએ જિલ્લા પોલીસ વડાની કચેરીએ રેલી સ્વરૂપે પહોંચી જઈ વિસ્તૃત આવેદનપત્ર આપ્યું છે, અને ભાજપના બક્ષીપંચના કાર્યકરો સામે પણ ફોજદારી રાહે કાર્યવાહી થાય, તેવી માંગણી કરવામાં આવી છે.
ગઈકાલે લાલ બંગલા સર્કલમાં શહેર ભાજપના બક્ષીપંચ મોરચાના કાર્યકરોએ રાહુલ ગાંધીના પૂતળાના દહનનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પોલીસ દ્વારા તેઓ સામે હળવી કલમ લગાડીને માત્ર ડીટેઇન કરી જવાદેવાયા હતા. જેની સામે કોંગ્રેસના કાર્યકરો દ્વારા કોઈ કાર્યક્રમ કરવામાં આવે તો તેઓ સામે જુદી જુદી મોટી કલમો હેઠળ કાર્યવાહી કરી પગલાં લેવામાં આવે છે. જેથી એક ને ખોડ અને એક ગોળ જેવી રીત રસમ અપનાવવામાં આવી રહી છે, તેમ દર્શાવી કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે.