જામનગર : લાલપુરની રૂપાવટી નદીમાં ચરવા માટે બેસાડેલા ચાર પશુઓની તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ
image : Freepik
Jamnagar News : જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં પશુ ચોર પેદા થયા છે, અને નદીમાં ચરાવવા માટે લઈ જવાયેલી ત્રણ ભેંસ અને એક પાડા સહિત ચાર પશુઓની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગતે એવી છે કે લાલપુરમાં રૂપાવટી નદીના કાંઠા પાસે રહેતો ભુપત કાનજીભાઈ પઢીયાર નામનો પશુપાલક યુવાન પોતાની ભેંસો વગેરેને ચરાવવા માટે રૂપાવટી નદી પાસે લઈ ગયો હતો, જ્યાં તેની માલિકીની ત્રણ મોટી ભેંસ અને એક પાડા વગેરેને ચરાવતી વખતે નદીના કાંઠે બેસાડી હતી.
ત્યાંથી કોઈ તસ્કરો રૂપિયા દોઢ લાખની કિંમતની ત્રણ ભેંસ અને ત્રીસ હજાર રૂપિયાની કિંમતનો એક પાડો વગેરેની ચોરી કરી લઈ ગયા હતા, આથી તેણે લાલપુર પોલીસ મથકમાં પોતાના ચાર પશુઓની ચોરી અંગેની ફરિયાદ નોંધાવતાં લાલપુરના પી.એસ.આઇ. એસ.પી.ગોહિલ અને તેમની ટીમેં આ બાબતે તપાસ શરૂ કરી છે.