જામનગર શહેર- ખંભાળિયા બાયપાસ અને સિક્કા રોડ પર જુદા જુદા ત્રણ વાહન અકસ્માતમાં દંપત્તિ સહિત છ વ્યક્તિને ઈજા
જામનગર શહેર - ખંભાળિયા બાયપાસ રોડ તેમજ સિક્કા રોડ પર જુદા જુદા ત્રણ વાહન અકસ્માત સર્જાયા હતા, જેમાં એક , દંપત્તિ સહિત છ વ્યક્તિ ઘાયલ થઈ છે, અને તમામને જીજી હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. પોલીસે ત્રણેય અકસ્માત અંગે ગુનો નોંધ્યો છે.
અકસ્માતનો પ્રથમ બનાવ જામનગરમાં હરિયા સ્કૂલ ઇન્દિરા માર્ગ પર બન્યો હતો. જ્યાં ઉદયભાઇ રામભાઈ ગાગીયા (ઉંમર વર્ષ ૨૭) નામના વેપારી પોતાના ભાગીદાર જગદીશભાઈ કાનાભાઈ સાથે બાઈકમાં બેસીને પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન પુર ઝડપે આવી રહેલી જીજે ૧૦ ડી.એન. ૬૦૬૫ નંબરની કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં બંનેને નાની મોટી ઈજા થઈ હોવાથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.
અકસ્માત નો બીજો બનાવ જામનગર ખંભાળિયા હાઈવે રોડ પર બન્યો હતો. જામનગર તાલુકાના જીવાપર ગામના વતની વેલજીભાઈ લાધાભાઇ પરમાર (ઉંમર વર્ષ ૪૫) કે જેઓ પોતાના પત્નીને બાઈક પર બેસાડીને જઈ રહ્યા હતા, જે દરમિયાન ખંભાળિયા બાયપાસ ચોકડી પાસે આવી રહેલા જીજે 3 એચ.ઇ. ૮૦૮૯ નંબરના ટ્રક મિલર ના ચાલકે ઠોકરે ચડાવી હડફેટમાં લેતા દંપત્તિને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે. આ અકસ્માત સર્જનાર મિલર ટ્રકના ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
અકસ્માતનો ત્રીજો બનાવ જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર સિક્કા રોડ પર બન્યો હતો ક્યાંથી બાઈક લઈને જઈ રહેલા યોગેશ જય દયાલ જાદવ અને તેનો મિત્ર અશોકસિંહ રામલખનસિંહ કે જે બંને બાઈક પર પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન સામેથી આવી રહેલા એક ટ્રકના ચાલકે કારને ઠોકર મારી હતી અને ટ્રક અને કાર બંને રોગ સાઈડમાં આવીને બાઈક સાથે અથડાયા હતા. જે અકસ્માતમાં બાઈક સવાર બંને યુવાનો ઘાયલ થયા છે, અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. પોલીસે આર.જે.૧૯ જી.એફ. ૭૯૯૧ ના ચાલક સામે ગુનો નોંધ્યો છે.