જામનગર શહેરમાં ગઈ રાત્રે ભારે પવન બાદ છાંટા પડ્યા : કાલાવડમાં આઠ મી.મી.વરસાદ નોંધાયો
Jamnagar Rain Update : જામનગર શહેર અને કાલાવડ-જામજોધપુર તેમજ લાલપુર પંથકમાં ગઈકાલે રાત્રે એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો, અને વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં મોડી રાત્રે ધોધમાર 35 મીમી વરસાદ પડી ગયો હોવાના જિલ્લા કલેક્ટર કચેરીના તંત્ર દ્વારા અહેવાલો પ્રાપ્ત થયા છે, જેના કારણે શેઠ વડાળાની નદીમાં ફરીથી પૂર જોવા મળ્યા હતા. આ ઉપરાંત જામજોધપુર તાલુકાના વાંસજાળીયામાં 10 મી.મી., તેમજ ધૂંનડામાં 6 મી.મી. વરસાદ નોંધાયો હતો.
જામનગર શહેરમાં ગઈકાલે મોડી રાત્રે 2.30 વાગ્યા પછી હવામાનમાં પલટો આવ્યા બાદ તોફાની પવન ફૂંકાયો હતો, જેની સાથે વરસાદી છાંટા પડ્યા હતા. જોકે થોડો સમય વાદળો વિખેરાઈ ગયા હતા, પરંતુ આજે પણ ગોરંભાયેલું આકાશ જોવા મળી રહ્યુ છે, અને સૂર્યદેવતા વાદળોની પાછળ સંતાકુકડી રમી રહેલા નજરે પડ્યા છે.
જામનગર જિલ્લાના કાલાવડમાં ગઈકાલે રાત્રે આઠ મી.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે લાલપુરમાં ત્રણ મી.મી. વરસાદ નોંધાયો છે. કાલાવડ તાલુકાના નિકાવા અને લાલપુરના ભણગોર ગામમાં 6 મી.મી. પાણી પડ્યું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.