જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો: તાપમાન 12.0 ડિગ્રી
image : Socialmedia
- ભેજનું પ્રમાણ વધી જતાં આજે પણ ઝાકળભીની સવાર: પવનની તીવ્રતામાં પણ વધારો નોંધાતાં ધ્રુજારી અનુભવાઈ
જામનગર,તા.20 જાન્યુઆરી 2024,શનિવાર
જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો ચમકારો વધતો જાય છે, અને તાપમાન 12.0 ડિગ્રી સુધી નીચે ચાલ્યું ગયું છે. ઉપરાંત ભેજનું પ્રમાણ આજે પણ 95 ટકા થઈ જતાં ઝાકળભીની સવાર થઈ છે, અને માર્ગ પરથી પાણીના રેલા ઉતર્યા છે. ઉપરાંત પવનની તીવ્રતામાં પણ વધારો થયો હોવાથી ઠંડીનો ધ્રુજારો અનુભવાયો છે.
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એક સપ્તાહ થી ઠંડીનું સામ્રાજ્ય છવાયેલું છે, અને ઠંડીનો પારો 13.0 ડિગ્રી આસપાસ રહ્યો છે. જેમાં આજે વધારો થયો છે, અને આજે સવારે ઠંડીનો પારો નીચે સરકીને 12.0 ડિગ્રી આસપાસ રહ્યો હતો. સાથો સાથ લઘુતમ તાપમાન પણ ઘટીને 27.0 ડીગ્રી સુધી રહ્યું છે. જ્યારે ભેજનું પ્રમાણ આજે પણ 95 ટકા થઈ જતાં ઝાકળ ભીની સવાર જોવા મળી હતી, અને માર્ગ પરથી પાણીના રેલા ઉતર્યા હતા. ગઈકાલે પવનમાં રાહત હતી, પરંતુ તેમાં આજે વધારો થયો છે અને અને પ્રતિ કલાકના 30 કી.મી. ની ઝડપે પવન ફૂંકાયો હોવાથી ઠંડીનો પણ ધ્રુજારો અનુભવાયો છે.
જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 12.0 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 27.0 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 95 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 25 થી 30 કિ.મી ની ઝડપે રહી હતી.