જામનગર : કાલાવડના ધુનધોરાજી ગામની શ્રમિક પ્રસુતા મહિલાએ અધૂરા માસે બાળકને જન્મ આપ્યા પછી બાળકનું સારવારમાં મૃત્યુ
image : Freepik
જામનગર,તા.20 ડિસેમ્બર 2023,બુધવાર
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામમાં એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી શ્રમિક મહિલા, કે જેણે ગઈકાલે અધૂરા માસે બાળકને જન્મ આપ્યા પછી બાળકનું આઈસીયુ વોર્ડમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે. જે મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના ખેડૂત અશ્વિનભાઈ ચોવટીયાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી 19 વર્ષની આદિવાસી મહિલા, કે જે ગઈકાલે પ્રસુતા બની હતી, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં અધૂરા માસે એક બાળક (પુત્ર) ને જન્મ આપ્યો હતો.
જે બાળકની તબિયત અત્યંત નાદુરસ્ત હોવાથી જી.જી. હોસ્પિટલની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી બાળકને આઇસીયુ વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટુંકી સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમ જામનગરની જી.જી. હોસ્પિટલ દોડી આવી હતી, અને બાળકના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.