જામનગર : ધ્રોલમાં દૂધની ડેરીના સંચાલકની બોલેરો કારમાંથી રૂપિયા બે લાખની રોકડ રકમની ઉઠાંતરી
image : Freepik
Jamnagar News : જામનગર જિલ્લાના ધ્રોળમાં દૂધની ડેરી ચલાવતા એક વેપારીની પાર્ક કરેલી બોલેરો કારમાંથી રૂપિયા બે લાખની રોકડ રકમની ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જયારે પોતાની ડેરીમાં કામ કરતો એક કર્મચારી ગાડીનો લોક ખોલી રોકડ રકમની ચોરી કરી જતો હોવાનો સીસીટીવીના ફૂટેજના માધ્યમથી ખુલાસો થયો હોવાથી પોલીસમાં જાહેર કરાયું છે. જેને પોલીસ શોધી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મોટી બાણુગાર ગામના વતની અને હાલ ધ્રોલમાં જ્યોતિ પાર્ક શેરી નંબર-૨ માં રહેતા અને દૂધની ડેરીનો વ્યવસાય કરતા નંદલાલભાઈ મગનભાઈ ભેંસદડીયા નામના વેપારીએ ધ્રોળ પોલીસ મથકમાં પોતાની બોલેરો કારમાંથી રૂપિયા બે લાખની રોકડ રકમની ચોરી થઈ ગયાની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર વેપારીએ પોતાની બોલેરો કાર ધ્રોળમાં જ આવેલી બજરંગ ડેરી પાસે પાર્ક કરી હતી. ત્યાંથી તેની ડેરીમાંજ કામ કરતો ધ્રોલ તાલુકાના વાંકીયા ગામનો જીગ્નેશ રામજીભાઈ ભીમાણી નામનો શખ્સ ચાવી વડે લોક ખોલીને અંદરથી રોકડ રકમ ભરેલું પાર્સલ ચોરી કરીને લઈ જતો હોવાનો સીસીટીવી ફૂટેજના માધ્યમથી ખુલાસો થયો હતો. તેથી ધ્રોલ પોલીસ મથકમાં પોતાના કર્મચારી સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસ હેડ કોન્સ્ટેબલએ સીસીટીવી કેમેરાના ફૂટેજ વગેરે નિહાળીને રોકડ રકમ સાથે ભાગી છુટેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.