જામનગર : લાલપુર નજીક મામાદેવના મંદિરે નવરાત્રીનું લાઈટિંગ કરી રહેલા યુવાનને કરંટ લાગતાં મૃત્યુ
Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરી ગામમાં આવેલા મામાદેવના મંદિરે નવરાત્રી માટેની રોશની કરી રહેલા એક યુવાનને વીજ આંચકો લાગ્યો હતો, અને તેનું મૃત્યુ નિપજતાં ભારે કરુણાંતિકા સર્જાઈ છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના સણોસરી ગામમાં રહેતો અને ખાનગી કંપનીમાં સર્વેયર તરીકે કામ કરતો ધર્મેશ સોમાભાઈ ડાંગર નામનો 27 વર્ષનો યુવાન ગઈકાલે સાંજે ગામમાં આવેલા મામાદેવના મંદિરે નવરાત્રી ડેકોરેશન માટેની સિરીઝનું વાયરીંગ કરી રહ્યો હતો, તે દરમિયાન ઉપરથી પસાર થઈ રહેલી ઇલેવન કે.વી.ની વિજ લાઈનમાંથી તેને વિજ આંચકો લાગ્યો હતો, અને બેશુદ્ધ બન્યો હતો. જેને સારવાર માટે લાલપુરની સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા બાદ ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા સોમાભાઈ ડાંગરે પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.