જામનગર : લાલપુરના ભણગોર ગામના ખેડૂતે ઓનલાઈન ગેમિંગમાં લાખો રૂપિયા હારી ગયેલા પુત્રના ત્રાસથી કંટાળી જઇ ગળાફાંસા દ્વારા આપઘાત કર્યો
Suicide Case Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતા એક ખેડૂતે પોતાના જુગારની લતે ચડી ગયેલા પુત્રના આર્થિક વ્યવહારના ત્રાસના કારણે ઝેરી દવા પી લઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. પુત્ર ઓનલાઈન ગેમિંગમાં મોટી રકમમાં હારી ગયો હોવાથી અને પોતાના કયામાં ન હોવાથી સગા વ્હાલાની પૈસાની ઉઘરાણી વગેરેના ત્રાસથી કંટાળી જઇ આપઘાતનું પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા તેમજ કટલેરીની દુકાન ચલાવતા દિપકભાઈ સુભાષભાઈ માણાવદરિયા નામના 47 વર્ષના પટેલ ખેડૂતે ગઈકાલે પોતાની વાડીમાં જંતુનાશક દવા પી લીધા પછી આંબાના ઝાડમાં રસ્સી બાંધી ગળાફાંસ દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ હિતેશભાઈ સુરેશભાઈ માણાવદરિયાએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક દીપકભાઈનો પુત્ર ચાંદ (ઉ.વ.24) કે જે આર્થિક વ્યવહારના કારણે પોતાના કહ્યામાં રહ્યો ન હતો, અને આજથી એકાદ વર્ષ પહેલાં પોતાનો પુત્ર કહયામાં નથી અને તેની સાથે કોઈએ આર્થિક વ્યવહાર કરવો નહીં, તેવી અખબારમાં જાહેરાતો પણ પ્રસિદ્ધ કરાવી દીધી હતી.
ત્યારબાદ છેલ્લા છ માસથી તેનો પુત્ર ચાંદ ઘર છોડીને ચાલ્યો ગયો હતો, ત્યારથી દિપકભાઈ ગુમસુમ રહેતા હતા, અને આખરે ગઈકાલે જિંદગીથી કંટાળી જઇ ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હોવાનું જાહેર કરાયું હતું.
પોલીસને વધુમાં જણાવ્યા અનુસાર મૃતક દીપકભાઈનો પુત્ર ચાંદ કેજે અગાઉ ઓનલાઈન ગેમિંગમાં મોટી રકમ હારી ગયો હોવાથી તેણે સગા સંબંધીઓ પાસેથી ઉછીના પૈસા મેળવીને મોટો કરજો કરી લીધો હતો.
પિતા પાસે તમામ લોકોએ પૈસાની ઉઘરાણી કરી હોવાથી સમગ્ર મામલો સામે આવ્યો હતો, અને પોતાનનો પુત્ર કહ્યામાં નથી, અને કોઈએ આર્થિક વ્યવહાર કરવો નહીં, તેવી જાહેરાત પણ કરાવી હતી. આ સમગ્ર મામલે લાલપુર પોલીસ વધુ તપાસ ચલાવે છે.