જામનગર : કાલાવડના રાજસ્થળી ગામ પાસે રીક્ષા પલટી ખાઈ જતાં 14 વર્ષના તરુણનું મૃત્યુ
- સાત દિવસ પહેલા જ ખરીદાયેલી રીક્ષામાં હવા પુરાવવા માટે ગયેલા બે પિતરાઈ ભાઈઓને નડયો અકસ્માત
જામનગર,તા.16 જાન્યુઆરી 2024,મંગળવાર
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રાજાસ્થળી ગામ પાસે એક રીક્ષા પલટી ખાઈ જતાં રીક્ષાની પાછળની સીટમાં બેઠેલા 14 વર્ષના તરુણનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે તેના ચાલકને ઈજા થઈ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના રાજસ્થળી ગામમાં રહેતો વિવેક હસમુખભાઈ મુછડીયા નામનો યુવાન પોતાના પિતાના બનેવી વિજયભાઈ શામજીભાઈની રિક્ષામાં હવા ઓછી હોવાથી હવા ભરાવવા માટે ગયો હતો, અને પોતાના પિતરાઈ ભાઈ માનવ વિજયભાઈ મકવાણા (14 વર્ષ)ને પાછળની સીટમાં બેસાડ્યો હતો, અને રિક્ષામાં હવા ભરાવીને પરત આવતી વખતે રાજસ્થળી ગામના પાટીયા પાસે રિક્ષા પરથી કાબુ ગુમાવી દેતાં રિક્ષા રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી, અને અકસ્માત સર્જાયો હતો.
જેમાં બંને પિતરાઈ ભાઈઓને ઈજા થઈ હતી, જે પૈકી પાછળ બેઠેલા માનવ (14 વર્ષ)ને ગંભીર ઇજા થયા પછી તેનું મૃત્યુ નિપજ્યું છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં કાલાવડ ગ્રામ્યની પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક માનવના પિતા વિજયભાઈ કે જેઓએ નવી રીક્ષા ખરીદ કરી હતી, અને પોતાના સસરાના ઘેર આંટો દેવા માટે ગયા હતા, જે દરમિયાન રીક્ષામાં હવા ઓછી હોવાથી પોતાના સાળા હસમુખભાઈ મુછડીયાનો પુત્ર વિવેક રીક્ષામાં હવા પુરાવવા માટે ગયો હતો, અને માનવને સાથે બેસાડીને લઈ ગયો હતો. દરમિયાન આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.