જામનગર : જોડિયાના જીરાગઢ ગામમાં શ્વાન અથવા જનાવરના હુમલામાં 93 ઘેટા બકરાના મોત
જામનગર,તા.20 જાન્યુઆરી 2024,શનિવાર
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જીરાગઢ ગામમાં ગત રાત્રે શ્વાન અથવા તો કોઈ જનવાર ત્રાટકતાં 93 ઘેટા-બકરાના મોત થયા હતા. આ બનાવની જાણ થતાં જ પશુ ડોક્ટર અને તંત્રની ટીમ તપાસ માટે દોડી ગઈ હતી.
જોડિયા તાલુકાના જીરાગઢ ગામમાં રહેતા દેવાભાઈ કુંભાભાઇ ગમારાના વાડામાં ગઈ મોડી રાત્રે કોઈ શ્વાન અથવા તો કોઈ જંગલી જનાવર આવી ચડ્યું હતું, અને પાંચ થી સાત ઘેટા બકરાને ફાડી ખાધા હતા. જ્યારે અન્ય તમામ ઘેટા બકરાએ ભયના માર્યા દોડા દોડી કરતાં અથવા તો ગભરાઈ જવાના કારણે તેમના હૃદય બંધ પડી જતા મૃત્યુ થયા હતા. દેવાભાઈના પુત્ર હરજી (હાર્દિક) ના જણાવ્યા મુજબ 93 ઘેટા બકરાના મૃતદેહ આજે પોતાના વાડામાંથી મળ્યા હતા.
આ બાબતે આજે તંત્રને જાણ કરવામાં આવતાં જ પશુપાલન વિભાગ, પશું ડોક્ટર વગેરેની ટુકડી દોડી આવી હતી, અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ઉપરાંત મૃત ઘેટા-બકરાના જરૂરી નમૂના પણ લિધા હતા. અને વધુ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા.
દેવાભાઈના જણાવ્યા પ્રમાણે તેઓ બે દાયકા થી પશુપાલનના વ્યવસાયમાં જોડાયેલા છે અને આ સિવાય તેમનો અન્ય કોઈ વ્યવસાય નથી. અને પોતે એક સાથે 93 જેટલા ઘેટા બકરા ગુમાવ્યા છે. આથી સરકાર પોતાને આર્થિક મદદ કરે એવી માગણી પણ કરી હતી.