જામજોધપુરના સીદસરમાં આવેલા વીજાપુર વિદ્યા સંકુલમાં કરુણાજનક કિસ્સો : માત્ર 12 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ
Jamnagar Heart Attack : રાજયમાં નાની ઉંમરના લોકોમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણી વધી રહ્યું છે. આ વચ્ચે જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં આવેલ વીજાપુર વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતા 12 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થતાં વાલીઓમાં શોક સાથે ચિંતાની લાગણી પ્રસરી છે.
આ છાત્રને સવારના નવા વાગ્યાના અરસામાં અચાનક ચક્કર આવતા લાગતા અને છાતીમાં દુ:ખાવો થતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જયાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ અંગેની માહિતી અનુસાર જુનાગઢ જીલ્લાના માણાવદર તાલુકાના સરદારનગરમાં રહેતા નરેન્દ્રભાઇ પોપટભાઇ કનેરીયાનો પૂત્ર હેત સીદસર ગામમાં વીજાપુર વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતો હતો. દરમિયાન ગત તા.30-09ના રોજ સવારના નવા વાગ્યાના અરસામાં અચાનક ચક્કર આવતા લાગતા અને છાતીમાં દુ:ખાવો થતા તેને સારવાર માટે ઉપલેટા લઇ જવામાં આવેલ પરંતુ તેને સારવાર મળે તે પૂર્વે જ તેનું મૃત્યુ નિપજયું હતું અને માત્ર 12 જ વર્ષની ઉંમરમાં જ પૂત્રનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે.