જામજોધપુરના વાંસજાળીયામાં ધોધમાર બે ઇંચ વરસાદ : સમાણા અને શેઠ વડાળામાં વરસાદી ઝાપટાં
Jamnagar Rain Update : જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહના વિરામ બાદ જામજોધપુર પંથકમાં ગઈકાલે વરસાદી વાતાવરણ બંધાયેલું હતું અને એકાએક હવામાનમાં પલટો આવ્યા બાદ જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં ધોધમાર બે ઇંચ વરસાદ પડી ગયો હતો. જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 46 મી.મી. વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
જામજોધપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ગઈકાલે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું અને સમાણા ગામમાં 6 મી.મી. વરસાદ નોંધાયો હતો. ઉપરાંત શેઠ વડાળા ગામમાં પણ છુટા છવાયા વરસાદી ઝાપટાં વરસ્યા હતા. જોકે જામજોધપુરના ગ્રામના પંથક સિવાય સમગ્ર જિલ્લામાં અન્યત્ર ક્યાંય વરસાદના વાવડ મળ્યા નથી.
છેલ્લા બે દિવસથી ગરમીનો પારો ફરીથી ઉચકાયો છે અને જામનગર શહેર અને જિલ્લામાં લઘુતમ તાપમાન 27.0 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 34.0 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 86 ટકા રહ્યું હતું જ્યારે પવનની ગતિ પ્રતિ કલાકના 15 થી 20 કિ.મી. ની ઝડપે રહી હતી.