જામજોધપુરના વેપારી પર લુખ્ખા તત્વો દ્વારા કરાયેલા હુમલાના બનાવના પ્રત્યાઘાત રૂપે જામજોધપુર સજ્જડ બંધ
જામનગર જિલ્લાના જામજોધપુરમાં વધતી જતી લુખ્ખાગીરી તેમજ રોમીયોગીના સંદર્ભમાં તેમજ સોમવારે એક વેપારી પર લૂખ્ખા તત્વો દ્વારા કરાયેલા હુમલા ના બનાવના વિરોધમાં ગ્રામજનો અને વેપારીઓ દ્વારા જામજોધપુર બંધનું એલાન અપાયું હતું, જેના સંદર્ભમાં જામજોધપુરના વેપારીઓએ રોષ ભેર બંધ પાડ્યો હતો, અને સમગ્ર જામજોધપુર સજ્જડ બંધ રહ્યું હતું, ઉપરાંત ૩,૦૦૦ થી વધુ વેપારીઓ ગ્રામજનોએ ગાંધી ચોક થી એકત્ર થઈ રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે.
જામજોધપુર ટાઉનમાં છેલ્લા કેટલાક સમયથી વધતી જતી લુખ્ખાગીરી, રોમિયોગીરી, ઊંચા વ્યાજ વટાવના ધંધા, ટ્રાફિકના પ્રશ્નો, દારૂના વધતાં જતાં દુષણો વગેરેના વિરોધમાં સમસ્ત ગ્રામજનો તથા વેપારીઓ દ્વારા સજજડ બંધનું એલાન અપાયું હતું,, અને આજે સવારે અડધો દિવસ માટે તમામ વેપારીઓએ પોતાના વેપાર ધંધા રોષ ભેર બંધ રાખી પ્રચંડ વિરોધ કરાયો છે. જેમાં માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ સમર્થન અપાયું છે, અને યાર્ડમાં પણ બંધ પાડવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ૩૦૦૦ થી વધુ વેપારીઓ અને ગ્રામજનો સવારે ૧૦.૩૦ વાગ્યે ગાંધી ચોકમાં એકત્રિત થઈ ગયા હતા, અને આક્રોશભેર રેલી યોજવામાં આવી હતી, અને મામલતદાર કચેરીએ પહોંચી ત્યાં માથાભારે શખ્સો સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું હતું.