જામજોધપુરના સોગઠી ડેમમાં ગાબડું પડતા જિલ્લા વહીવટી તંત્ર બન્યું સતર્ક, અધિકારીઓની ચાંપતી નજર
Jamnagar Rain Update : ભારે વરસાદને કારણે જામજોધપુર તાલુકાના જસાપર પાસે આવેલ સોગઠી ડેમમાં ગાબડું પડવાથી જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. હાલ લાલપુર પ્રાંત અધિકારી અસવાર, સિંચાઈ વિભાગના ઈજનેર અકબરી, જામજોધપુર મામલતદાર કેતન વાઘેલા તથા તાલુકા વિકાસ અધિકારી બલદાણીયા વગેરેએ ડેમ સાઈટની સ્થળ મુલાકાત લઈ સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
જો પાણીનું વહેણ વધે અને જાનમાલનું નુકસાન અટકાવવા લોકોનું સ્થળાંતર કરવાની સ્થિતિ ઉભી થાય તો હેઠવાસમાં આવતા દરેક ગામોમાં નાયબ મામલતદાર, તલાટી સહિતના સ્ટાફની જરૂરી કાર્યવાહી કરવા પ્રાંત અધિકારી લાલપુર દ્વારા ફાળવણી કરવામાં આવી છે. મામલતદાર કચેરી જામજોધપુરના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે પણ પળેપળની જરૂરી વિગતો મેળવી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.