જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાના પ્રયાસોથી દિગ્જામ મિલના કર્મચારીઓના પ્રશ્ને સુખ:દ સમાધાન
Jamnagar News : જામનગરની દિગજામ વુલનમિલના 190 જેટલા કર્મચારીઓ કે જેઓના ગ્રેચ્યુઇટી તેમજ નિવૃત્તિ યોજના સહિતના જુદા જુદા પ્રશ્નોના મામલે જામનગરના 78- ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાના પ્રયાસો સાર્થક નીવડ્યા છે અને કંપની તથા કર્મચારીઓ વચ્ચેની મડાગાંઠ ઉકેલાઇ છે. અને બંને પક્ષે સુખ:દ સમાધાન સધાયું છે, જેથી ધારાસભ્યએ તમામ કર્મચારીઓના મીઠાં મોઢા કરાવ્યા હતા.
જામનગરની દિગ્જામ વુલનમિલ કે જે છેલ્લા કેટલાક વર્ષોથી બંધ પડેલી છે. જેમાં તેના 190 જેટલા કામદારો કે જેઓના ગ્રેચ્યુઇટી-નિવૃત્તિ પેન્શન યોજના સહિતના મુદ્દાઓના પ્રશ્ને લડત ચલાવવામાં આવતી હતી અને મામલો અદાલત સુધી પણ પહોંચ્યો હતો.
કંપનીના કામદારોના જુદા-જુદા સંગઠનો અને મિલના મેનેજમેન્ટ વચ્ચે અનેક વખતની ચર્ચાઓ બાદ જામનગર 78- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ એકથી વધુ વખત કામદારોના હિતમાં નિર્ણય આવે તે બાબતે પ્રયત્નો અને મિલ મેનેજમેન્ટ સાથે વાટાઘાટો કરી હતી. ઉપરાંત દિગજામ મિલના મેનેજમેન્ટ તથા અદાલતની કાર્યવાહી સાથેના સમાધાનના પ્રયાસોના અંતે આખરે શનિવારે આ મામલે સમાધાન થયું હતું. અને 190 જેટલા કામદારોના તમામ પ્રશ્નો ઉકેલાઈ ગયા છે અને કંપની દ્વારા પણ તમામને સાત દિવસમાં પેમેન્ટના ચેક આપી દેવાશે તેવી ખાતરી અપાતાં આખરે વુલન મિલના કામદારોની લડતનો અંત આવ્યો છે.
શનિવારે દિગ્જામ વુલનમિલના મેનેજમેન્ટ તથા કામદારો વગેરે એકત્ર થયા હતા. આ વેળાએ ધારાસભ્ય રિવાબા જાડેજાએ પણ ઉપસ્થિત રહી સમગ્ર પ્રશ્નો ઉકેલાઈ ગયા હોવાથી કામદારોના મીઠાં મોઢા કરાવ્યા હતા. જેથી કામદાર વર્ગમાં પણ ખુશીની લહેર પ્રસરી હતી અને મિલના મેનેજમેન્ટ તેમજ ધારાસભ્ય સહિતનો આભાર માન્યો હતો. મિલ મેનેજમેન્ટ દ્વારા પણ સત્તાવાર નોટિસ આપીને મિલની કામગીરી સંપૂર્ણપણે બંધ જાહેર કરી હતી.