જામનગરમાં મોરકંડા ધાર પાસે યુવાનની હત્યા નિપજાવવા અંગેના પ્રકરણમાં વધુ એક આરોપીની સંડોવણી ખુલી
- હત્યારા આરોપી અને તેના પિતાએ પણ કુહાડાના ઘા ઝીંક્યા હોવાથી પોલીસ દ્વારા આરોપી પિતા-પુત્રને દબોચી લેવાયા
જામનગર, તા. 4 સપ્ટેમ્બર 2022 રવિવાર
જામનગરના મોરકંડાધાર વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે પોલીસને બાતમી આપવા જેવી બાબતમાં તકરાર કર્યા પછી એક યુવાનની હત્યા નિપજાવાઈ હતી. જે પ્રકરણમાં પોલીસે મૃતકના મિત્ર સામે જ હત્યા નો ગુનો નોંધ્યો હતો.
જે હત્યાકાંડમાં આરોપીના પિતાની પણ સંડવણી હોવાનું ખુલ્યું હતું, અને તેણે પણ કુહાડાના ઘા ઝીંક્યા હતા. આથી પોલીસે ચોતરફ નાકાબંધી કરી હત્યારા આરોપી પિતા પુત્રને દબોચી લીધા છે, અને હથિયારો કબજે કર્યા છે.
આ હત્યા કેસના બનાવની વિગત એવી છે કે જામનગર માં સાંઢીયા પુલ પાસે રહેતા સુરેશ ઉર્ફે ગડો દિલીપભાઈ સોલંકી નામના યુવાનની શુક્રવારે મોડી રાત્રે મોરકંડાધાર વિસ્તારમાં હત્યા નિપજાવાઈ હતી. જે હત્યા કરવા અંગે તેનાજ મિત્ર મિલન રમેશભાઈ સીતાપરા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસે મૃતકની માતા મંજુબેન ની ફરિયાદના આધારે આરોપી મિલન સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો હતો, અને આરોપીની શોધ ખોળ હાથ ધરી હતી. દરમિયાન પોલીસ તપાસમાં મિલનની સાથે તેના પિતા રમેશભાઈ સીતાપરા પણ હત્યામાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું.
આરોપી મિલને કોશના માથામાં ઘા ઝીંક્યા હતા, જ્યારે તેના પિતા રમેશે કુહાડીના ઘા ઝીંક્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. જે બન્ને આરોપીઓ હત્યા ની ઘટનાને અંજામ આપ્યા પછી ભાગી છુટ્યા હોવાથી પંચકોષી બી. ડિવિઝન પોલીસ દ્વારા ચોતરફ નાકાબંધી કરવામાં આવી હતી.
દરમિયાન મોરકંડા થી થોડે દૂર આવેલા બે ભાઈના ડુંગર વિસ્તારમાંથી મોટરસાયકલમાં ભાગવા જઈ રહેલા આરોપી પિતા પુત્રને પકડી પાડ્યા હતા, અને બન્નેની હત્યા પ્રકરણમાં ધરપકડ કરી લેવાઇ છે, અને તેઓ પાસેથી કુહાડો તથા કોષ સહિતના હથિયારો અને લોહીવાળા કપડા કબજે કરી લેવાયા છે. જે બંનેને અદાલત સમક્ષ રજૂ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.