જામનગર શહેરમાં આજે વીજતંત્ર દ્વારા ફરીથી મોટાપાયે વીજ ચેકીંગની કાર્યવાહી હાથ ધરાતાં વીજચોરોમાં ફફડાટ
- શહેરના ગુલાબનગર-નાગેશ્વર સહિતના વિસ્તારો 29 જેટલી વીજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઇ, વ્યાપક દરોડા
જામનગર, તા. 27
જામનગર શહેરમાં પખવાડિયાના વિરામ પછી આજે ફરીથી વીજતંત્ર દ્વારા મોટાપાયે ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, અને શહેરના ગુલાબનગર, નાગેશ્વર, રાજપાર્ક, સહિતના વિસ્તારોમાં 29 જેટલી વીજ ચેકીંગ ટુકડીઓને ઉતારી દેવામાં આવી છે, અને વ્યાપક પ્રમાણમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેને લઇને વીજચોરોમાં ફફડાટ મચી ગયો છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવ દ્વારા દરબારગઢ અને પટેલ કોલોની સબડિવિઝન ઉપરાંત સીટી-1 સબ ડિવિઝન અંડરના એરિયામાં 29 જેટલી વીજ ચેકીંગ ટુકડીને આજે વહેલી સવારથી વીજ ચેકિંગ માટે ઉતારી દેવામાં આવી છે. જેમાં ત્રણ લોકલ પોલીસ, 11 એસ.આર.પી.ના જવાનો અને બે વીડિયોગ્રાફરની મદદ લેવામાં આવી છે.
જામનગર શહેરના ગુલાબ નગર વિસ્તાર, નાગેશ્વર વિસ્તાર, રાજ પાર્ક સોસાયટી, રવિ પાર્ક સોસાયટી, બેડેશ્વર વિસ્તાર, બેડી બંદર રોડ સહિતના એરિયાને ધમરોળવામાં આવ્યા છે, અને વ્યાપક પ્રમાણમાં વીજચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.