જામનગર શહેરમાં મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ચૂંટણી આચારસંહિતાની અમલવારીનો પ્રારંભ કરાવાયો
જામનગર શહેરમાં જુદા જુદા ત્રણ ઝોન પાડી ૩૦ થી વધુ મોટા હોર્ડિંગ- ૬૦થી વધુ પોસ્ટરો ઉતારાવાયા
જામનગર, તા. 16 માર્ચ 2024 શનિવાર
આગામી લોકસભાની ચૂંટણીનું દેશના ચૂંટણી પંચ દ્વારા એલાન કર્યા પછી આગામી લોકસભાની ચૂંટણીને લઈને જામનગર શહેરમાં આચારસંહિતાની અમલવારીનો પ્રારંભ કરી દેવાયો છે, તેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી ત્રણ ટુકડીઓ બનાવીને રાજકીય પક્ષોના પ્રચાર પ્રસારના બોર્ડ વગેરે ઉતારવાનું શરૂ કરી દેવાયું હતું.
જેના ભાગરૂપે સૌ પ્રથમ લાલ બંગલા સર્કલથી એરોડ્રોમ સુધીના માર્ગે લગાવેલા જાહેરાત ના હોર્ડિંગ- બોર્ડ વગેરે ઉતારવાનું શરૂ કરાયું હતું. તે જ રીતે પંડિત નહેરુ માર્ગથી ગુલાબ નગર સુધીના માર્ગે તથા સાધના કોલોની થી રણજીતસાગર સુધીના માર્ગ પર લગાવવામાં આવેલા કુલ ૩૦ મોટા હોર્ડિંગ ૫૦ થી વધુ બેનર- પોસ્ટર વગેરે ઉતારી લેવાયા હતા. જે કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવી છે.