જામનગરમાં કારીગર યુવાને આર્થિક ભીંસથી કંટાળી ગળે ફાંસો ખાધો
જામનગર, તા. 29 નવેમ્બર 2021 સોમવાર
જામનગરમાં આવાસ કોલોની વિસ્તારમાં રહેતા અને ઢોસાની રેકડીમાં ઢોસા બનાવવાનું કામ કરતા એક પરપ્રાંતીય યુવાને આર્થિક સંકડામણને કારણે જિંદગીથી કંટાળી જઇ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
જામનગરમાં ખોડીયાર કોલોની નજીક ત્રણ માળીયા આવાસ માં બ્લોક નંબર એકના રૂમ નંબર 22માં રહેતા અને એમ્યુઝમેન્ટ પાર્ક નજીક એક ઢોસાની રેકડીમાં ઢોસા બનાવવાના કારીગર તરીકે કામ કરતા કિશોર કન્નડભાઈ નામના 39 વર્ષના મદ્રાસી યુવાને ગઈકાલે પોતાના ઘેર લોખંડની ગ્રીલમાં સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના પત્ની શાંતાબેન કિશોરભાઈએ પોલીસને જાણ કરતાં સીટી-સી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન છેલ્લા કેટલાક વખતથી ઢોસા ની રેકડીમાં કારીગર તરીકે કામ કરતો હતો પરંતુ તેના પગારથી પોતાનું અને પોતાની પત્ની અને બે સંતાનોનું ઘર ગુજરાત ચાલતું ન હતું, અને આર્થિક સંકળામણ અનુભવતો હતો. જેના કારણે આત્મહત્યાનું પગલું ભરી લીધાની જાહેર થયું છે. આ બનાવને લઇને તેના બે સંતાનો નોંધારા બની ગયા છે.