'છોટીકાશી'માં ભીડભંજન મહાદેવ મંદિરને પવિત્ર શ્રાવણમાસે રંગબેરંગી ભવ્ય રોશની નો કરાયો શણગાર
જામનગર તા ૭
છોટીકાશી ના ઉપનામ થી પ્રચલિત એવા જામનગર શહેરમાં અનેક શિવાલયો આવેલા છે, ત્યારે સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે. જેની ઉજવણીના ભાગરૂપે જામનગરના શિવાલયોને ઝળહળતી રોશનીથી શણગારવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાને જામનગરની મધ્યમાં આવેલા પુરાણ પ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિરને પણ રોશનીથી ઝળહળતું કરાયું છે.
'છોટીકાશી'માં આવેલા અનેક શિવાલયોમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હજારોની સંખ્યામાં મહાદેવ ભક્તો દ્વારા પૂજા અર્ચના જલાભિષેક, રુદ્રાભિષેક વગેરેની પૂજા કરવામાં આવે છે, અને વહેલી સવારથી જ દર્શનાર્થીઓ કતારમાં ઉભા રહી જતા હોય છે, અને જામનગર શહેરના અનેક શિવભકતો પવિત્ર શ્રાવણ માસની ઉજવણી ના ભાગરૂપે શિવાલયોમાં દર્શનનો લ્હાવો લ્યે છે.
દરમિયાન જામનગરની મધ્યમાં આવેલા ભીડભંજન મહાદેવ મંદિરને પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ ઝળહળતી રોશનીથી શણગારવામાં આવ્યું છે, અને સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન સમગ્ર મંદિર પરિસર ઝળહળતી રોશની થી સજાવેલું રહેશે. ઉપરોક્ત તસવીરમાં ભીડભંજન મહાદેવ મંદિર નો રાત્રીનો રંગબેરંગી રોશની નો ભવ્ય નજારો દ્રશ્યમાન થાય છે.