જામનગરના જોડીયામાં ગેરકાયદે ખનીજ ચોરી કરતા માફિયાઓનો આતંક : ફોટોગ્રાફી કરી રહેલા માલધારી યુવાન પર પાંચ લોકોએ કર્યો હુમલો

Updated: May 18th, 2024


Google NewsGoogle News
જામનગરના જોડીયામાં ગેરકાયદે ખનીજ ચોરી કરતા માફિયાઓનો આતંક : ફોટોગ્રાફી કરી રહેલા માલધારી યુવાન પર પાંચ લોકોએ કર્યો  હુમલો 1 - image


Crime in Jamnagar : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામની ઊંડ નદીમાં ગેરકાયદે રીતે ખનીજ ચોરી કરી રહેલા ખાણ માફિયાઓને ઉઘાડા પાડવા માટેની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી રહેલા માલધારી યુવાન પર પાંચ ખનીજચોરોએ છરી અને ધોકા વડે હુમલો કરી દીધો હતો, તેમ જ તેના રૂપિયા 3 લાખ 60 હજારની કિંમતના કિંમતી ત્રણ મોબાઈલ ફોન તોડી નાખ્યા હતા. જે મામલે જોડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે. ખનીજ ચોરી બાબતેની ફોટોગ્રાફી કરીને તેની માહિતી મોકલતા હોવાના કારણે પાંચેય ખનીજ ચોરોએ આ હુમલો કર્યાનું પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે ધ્રોળ તાલુકાના માવાપર ગામના વતની અને પશુપાલનનો વ્યવસાય કરતા ગોકળભાઈ વહાણભાઈ વરુ નામના 36 વર્ષના ભરવાડ યુવાન દ્વારા ખનીજ ચોરી અટકાવવા બાબતે ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોર્ડને જરૂરી માહિતી પૂરી પાડવામાં આવતી હતી. જેણે પોતાના જુદા જુદા ત્રણ કિંમતી મોબાઈલ ફોન મારફતે જોડિયા તાલુકાના ભાદરા ગામની સીમ વિસ્તારમાં આવેલી ઉંડ નદીમાં ગેરકાયદે ખનીજની ચોરી થતી હોવાથી તેનું વિડીયો શુટીંગ તેમજ ફોટોગ્રાફી કરી રહ્યા હતા.

જે દરમિયાન જોડિયાના યોગેશ ગોઠી, ઉપરાંત બાદનપરનો જીગો ઘેટીયા તેમજ રમીલાબેન નામના લીજ હોલ્ડરનો પુત્ર, અને એક હિટાચી મશીન વાળા દરબાર તથા 30 વર્ષની વયનો એક અજાણ્યો માણસ વગેરે પાંચ શખ્સો ધસી આવ્યા હતા, અને છરી અને ધોકા વડે હુમલો કરી દઈ ઇજા પહોંચાડી હતી. ઉપરાંત તેની પાસે રહેલા જુદા-જુદા 3 લાખ 60 હજારની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોનને તોડી નાખી નુકસાન પહોંચાડ્યું હતું.

જેથી આ મામલો જોડિયા પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પાંચેય સામે ફરિયાદ નોંધાવતાં જોડિયા પોલીસે આઇપીસી કલમ 325, 324, 323, 504, 506-2, 427, 114 તેમજ જી.પી.એક્ટ કલમ 135-1 મુજબ ગુનો નોંધ્યો છે, અને પાંચેય ખાણ માફિયાઓની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News