જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયું
- બર્ધન ચોકમાં રિક્ષા સ્ટેન્ડ પાસે ત્રણમાળના અનઅધિકૃત બાંધકામ સામે મનપાએ કાયદાનો હથોડો પછાડ્યો
- ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજ સવારથી પાડતોડ કામગીરી હાથ ધરાઈ
જામનગર,તા.06 ફેબ્રુઆરી 2024,મંગળવાર
જામનગર શહેરના બર્ધન ચોક વિસ્તારમાં ત્રણ માળના અનઅધિકૃત નવા બાંધકામને તોડી પાડવા મહાનગરપાલિકા દ્વારા આજ સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શહેરના બર્ધન ચોક વિસ્તારમાં રિક્ષા સ્ટેન્ડ નજીક કાનૂડા મેટલ્સ નામની દુકાનની બાજુમાં મનપાની વિકાસ પરવાનગી મેળવ્યા વગર અનઅધિકૃત રીતે ત્રણ માળના મકાનનું બાંધકામ કરવામાં આવ્યું હોવાનું મનપાના તંત્રના ધ્યાન પર આવતાં આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા વહિવટી તંત્રએ કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
દરમિયાન આજે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મનપાની દબાણ હટાવ શાખાની ટુકડીએ ત્રણ માળના આ અનઅધિકૃત બાંધકામને તોડી પાડવા કામગીરી શરૂ કરી, ત્યારે આ વિસ્તારમાં અનેકવિધ ચર્ચા જાગી હતી. તંત્રએ મસ્ત થયા વગર બાંધકામને દૂર કર્યું હતું, આ વેળાએ લોકોના ટોળા એકત્ર થયા હતા.