જામનગરમાં સેન્ટ્રલ બેંક વિસ્તારમાંથી મળી આવેલા અજ્ઞાત પુરુષના અર્ધ બળેલા મૃતદેહ બાબતે મૃતકની ઓળખ થઈ
- મૃતક માનસિક રીતે અસ્થિર હોવાનું અને માતા સાથે ઝઘડો કરી ઘેરથી નીકળ્યા પછી પેટ્રોલ છાંટી આત્મહત્યા કરી લીધાનું ખુલ્યું
જામનગર,તા.01 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર
જામનગરમાં સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં ધ્રુવ ફળી પાસેથી મોડી રાત્રે એક પુરુષ નો અર્ધ બળેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન મૃતકની ઓળખ થઈ છે, અને મૃતક માનસિક રીતે અસ્થિર હોવાનું અને પોતાનું માતા સાથે ઝઘડો કરી ઘર છોડ્યું હોવાનું અને પોતાની જાતે જ પેટ્રોલ છાંટી આત્મહત્યા કરી લીધાનું જાણવા મળ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સેન્ટ્રલ બેંક પાસે ધ્રુવ ફળી નજીક મોડી રાતે બે વાગ્યે એક અજ્ઞાત પુરુષનો અર્ધ બળેલો મૃતદેહ મળી આવ્યો હતો.
જેથી સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડતો થયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પોલીસની તપાસ દરમિયાન મૃતક નું નામ કમલેશ ચંદુભાઈ ટંકારીયા (ઉ.વ. ૫૩) અને દરજી જ્ઞાતિના હોવાનું અને જામનગરમાં માતૃ આશિષ સોસાયટીમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસની વધુ તપાસ દરમિયાન મૃતક છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે અસ્થિર હોવાનું અને ગઈકાલે સવારે પોતાના વૃદ્ધ માતા સાથે ઝઘડો કરીને હું મરી જવાનો છું, તેમ કહી ઘેરથી નીકળ્યો હતો. ત્યારબાદ મોડી રાત્રે અગાઉ પોતે જ્યાં ધ્રુવ ફળી માં રહેતો હતો, તે સ્થળે જઇ પોતાની કાયા પર પેટ્રોલ છાંટી દીધું હતું અને દિવાસળી ચાંપી આત્મહત્યા કરી લેતાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું તારણ નીકળ્યું છે.
મૃતક ની માતા સાથે ઝઘડો કરીને ઘેરથી નીકળ્યા પછી મૃતકના પિતા અને ભાઈ કે જેઓ બંનેના અગાઉ મૃત્યુ નીપજ્યા હતા, પરંતુ મૃતક ની બેન રાજકોટમાં રહે છે, જેને માતાએ જાણ કરીને જામનગર બોલાવી લીધી હતી. જેથી તેની બહેન જામનગર આવી ગયા પછી બપોરે સીટી બી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના ભાઈ કમલેશભાઈ કે જેઓ માંનસીક રીતે અસ્થિર છે, તે ઘરમાંથી આત્મહત્યા કરવાનું કહીને નીકળી ગયાનું જાહેર કર્યું હતું. દરમિયાન મોડી રાત્રે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે સીટી એ. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.