Get The App

જામનગર જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે આયાત કરાયેલો ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
જામનગર જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે આયાત કરાયેલો ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો 1 - image

- કાલાવડ તાલુકાના કોઠા ભાડુકીયા ગામની એક વાડીમાંથી રૂપિયા 9.30 લાખની કિંમતની 1860 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી કબજે

- દારૂનો જથ્થો મંગાવનાર અને વેચાણ કરનાર બે શખ્સોની અટકાયત: જયારે દારૂના સપ્લાયર રાજકોટના શખ્સને ફરાર જાહેર કરાયો

જામનગર,તા.26 ડિસેમ્બર 2023,મંગળવાર

જામનગર જિલ્લામાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી માટે માતબર દારૂ આયાત કરાયો હોવાની બાતમીના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે કોઠા ભાડુકીયા ગામમાં આવેલી એક વાડીમાં દરોડો પાડી વાડીમાં સંતાડેલો 9.30 લાખની કિંમતનો 1,860 નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો માતબર જથ્થો અને વાહનો સહિત રૂપિયા 20,11,000 ની માલમતા પોલીસે કબજે કરી છે, અને બે શખ્સોની અટકાયત કરી છે. જયારે દારૂના સપ્લાયરને ફરાર જાહેર કરાયો છે.

આ દરોડાની વિગત એવી છે કે કાલાવડ ગ્રામ્ય પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, કે કાલાવડ તાલુકાના કોટા ભાડુકીયા ગામની સીમમાં રહેતા બલભદ્રસિંહ ઉર્ફે બળુભા પ્રવિણસિંહ જાડેજાની વાડીમાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને ઇંગલિશ દારૂનો માતબર જથ્થો ઉતારવામાં આવ્યો છે, અને તેના સાગરીતની મદદથી ખાનગીમાં વેચાણ કરવાની પેરવી ચાલી રહી છે.

જે બાતમીના આધારે કાલાવડ ગ્રામ્ય પી.એસ.આઇ એચ.વી.પટેલ અને તેમની ટીમે ગઈ મોડી રાત્રે ઉપરોક્ત વાડી પર દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન વાડીમાંથી ઇંગ્લિશ દારૂની 1,860 નંગ બાટલીનો માતબર જથ્થો મળી આવ્યા હતો. આથી પોલીસે 9 લાખ 30 હજારની કિંમતનો ઇંગલિશ દારૂ અને રૂપિયા દસ લાખની કિંમતની થાર ગાડી તેમજ એક મોટરસાયકલ અને પાંચ નંગ મોબાઈલ સહિત 20,11,000ની માલમતા કબજે કરી છે.

જે દારૂના જથ્થા સાથે વાડી માલિક બળભદ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા અને તેના સાગરીત રતનપર ગામના કુલદીપસિંહ નરેન્દ્રસિંહ જેઠવાની અટકાયત કરી લીધી છે. પોલીસની પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો રાજકોટના સન્ની આહીર દ્વારા સપ્લાય કરાયો હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.



Google NewsGoogle News