જામનગરમાં આધાર અપડેટ માટે લોકોમાં ભારે રોષ : પ્રાંત કચેરીએ વિરોધ
Jamnagar : જામનગરમાં આધાર કાર્ડ અપડેટની કામગીરીમાં ભારે અંધાધૂંધી જોવા મળી રહી છે. છેલ્લા પાંચ દિવસથી પ્રાંત કચેરીએ આધાર અપડેટ માટે આવેલા લોકોને લાંબી કતારોમાં ઉભા રહેવું પડતું હોવાનું જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી જ લોકો અહીં લાંબી કતારો લગાવી રહ્યા છે. નાના બાળકોને લઈને પણ મહિલાઓ આધાર અપડેટ કરાવવા આવી રહી છે.
પરંતુ લાંબી રાહ જોવા છતાં પણ ઘણા લોકોનું કામ થઈ શકતું નથી. આ બાબતે નારાજ થયેલા લોકોએ પ્રાંત અધિકારીની કચેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલાઓએ તો હોબાળો મચાવતા સ્કૂલ કે પોસ્ટ ઓફિસ જેવી જગ્યાએ આધાર અપડેટની કામગીરી સોંપવાની માગ કરી હતી. લોકોનું કહેવું છે કે, લાગવગિયાઓને તો લાઇનમાં ઉભા રહેવું પડતું નથી, પરંતુ સામાન્ય લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ સમગ્ર મામલે પ્રશાસન દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા ન હોવાથી લોકોમાં રોષની લાગણી વ્યાપી છે. જામનગરના લોકો આધાર કાર્ડ અપડેટ જેવી મહત્વની કામગીરી માટે આટલી હાલાકી ભોગવવા મજબૂર કેમ બન્યા છે તે સવાલ ઉઠી રહ્યો છે.