જામનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું હિન્દુ શક્તિ સંગમ મહાનગર એકત્રીકરણ યોજાયું
જામનગરમાં સંઘના સ્વયંસેવકો વિશ્વકર્મા વાડી, પટેલ કોલોનીમાં એકત્રીકરણમાં મોટી સંખ્યામાં જોડાયા
જામનગર,તા.8 જાન્યુઆરી 2024,સોમવાર
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ દ્વારા યોજાયેલા એકત્રીકરણ કાર્યક્રમમાં સંઘના 450 જેટલા પૂર્ણ ગણવેશ સાથે સ્વયંસેવકોએ ભાગ લીધો હતો, સવારના 9 થી સાંજે 6 કલાક સુધી સમગ્ર દિવસ દરમિયાન 2025 માં સંઘની શતાબ્દી વર્ષ સુધીમાં અખિલ ભારતીય આયોજન મુજબ કઈ રીતે વસ્તી સુધી રાષ્ટ્ર કાર્ય પહોંચે તેના માટે સૌ સાથે મળીને આયોજન કરવામાં આવ્યું હતું.
આ એકત્રીકરણ કાર્યક્રમમાં માધ્યમિક શાળાના વિદ્યાર્થીથી લઇને પ્રોઢ કાર્યકર્તાઓ, ડોકટરો, વકીલો સહિત અનેક પ્રકારના વ્યવસાય સાથે જોડાયેલા સમાજ માટે નિસ્વાર્થ સેવા આપનાર કાર્યકર્તાઓ જોડાયા હતા.
બૌદ્ધિક વક્તાઓએ પંચ પ્રણનું સમાજ અને સ્વયંસેવકો માટે મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ પરિવારે આવતી પેઢીના ઉત્તમ ચારિત્ર્ય ઘડતર માટે કુટુંબ પ્રબોધન, સમાજમાં સમરસતા, સ્વદેશી ભાવ નિર્માણ અને જીવન, પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધન અને નાગરિક કર્તવ્યનું પાલન કરવાથી સમાજ પરિવર્તન અને ઉત્કર્ષ જરૂર થઈ શકે છે. સ્વયંસેવક બનવા માટે કોઈ વિશિષ્ટતા કે ડિગ્રી કે અન્ય કોઈ લાયકાત નહિ માત્ર રાષ્ટ્ર કાર્ય, સમાજ કાર્ય માટેનો ભાવ અને રાષ્ટ્ર માટે સમય આપવાની માનસિકતા જરૂરી છે, એવી સ્પષ્ટ સંકલ્પનાનું સ્મરણ કરાવવામાં આવ્યું હતું.
એકત્રીકરણ દરમ્યાન ઉપસ્થિત સ્વયંસેવકોનું શહેરના માર્ગો પર પથ સંચલન યોજાયું હતું, જેનું ઠેર ઠેર શેહરીજનો દ્વારા ભગવા ધ્વજ પર પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.