જામનગરમાં હિંદુ જાગરણ મંચ દ્વારા દેવી-દેવતાના પોસ્ટર સાથેના ફટાકડા નહીં ફોડવા કરાયેલી અપીલ પછી આવા ફટાકડા એકત્ર કરી લેવાયા
- લાલપુર બાયપાસ નજીક દેવી દેવતાના ફોટા સાથેના ફટાકડા એકત્ર કરી લઈ એક ખાડામાં મૂકી, પાણી નાખી દઈ નિકાલ કરી દેવાયો
જામનગર,તા.2 નવેમ્બર 2021,મંગળવાર
જામનગરમાં હિંદુ જાગરણ મંચ દ્વારા દેવી દેવતાઓ સાથેના ફટાકડા નહીં વેચવા તેમજ નહીં ફોડવા માટેની કરાયેલી અપીલના અનુસંધાને જામનગરના ફટાકડા વિક્રેતાઓ દ્વારા આવા ફટાકડા એકત્ર કરીને હિંદુ જાગરણ મંચને સુપ્રત કરાયા હતા, અને તમામની હાજરીમાં એક ખાડો કરી ફટાકડા પર પાણી છાંટી તેના નિકાલ કરી દેવામાં આવ્યો હતો.
જામનગર શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાનું વેચાણ થાય છે, જેમાં દેવી દેવતાના ફોટા સાથેના ફટાકડાનું વેચાણ થતું હોવાથી આવા દેવી દેવતાના ફોટાવાળા ફટાકડા નહીં વેચવા ઉપરાંત નહીં ફોડવા માટેની હિંદુ જાગરણ મંચ દ્વારા અપીલ કરવામાં આવી હતી. જેના અનુસંધાને જામનગરના ફટાકડા વિક્રેતાઓ દ્વારા આવા ફટાકડા નહીં વેચવા સાથેનો સંકલ્પ કરાયો હતો, અને દેવી-દેવતા સાથેના ફટાકડાઓ એકત્ર કરીને હિંદુ જાગરણ મંચને સુપ્રત કરી દેવાયા હતા, અને જામનગરના લાલપુર બાયપાસ નજીકના વિસ્તારમાં જેસીબી મશીનની મદદથી એક ખાડો કરીને તમામ ફટાકડા તેમાં મૂકી દેવાયા હતા. જેના પર પાણી છાંટી દઈ વિધિ-વિધાન સાથે ફટાકડાનો નિકાલ કરી દેવાયો હતો. ઉપરાંત ફટાકડા એસોસિયેશનના પ્રમુખ દ્વારા આવનારા દિવસોમાં આવા ફટાકડાની ખરીદી પણ નહીં કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.