જામનગરના 14 વર્ષના સગીરને માર મારવા મામલે હાઈકોર્ટનો SPને તપાસનો આદેશ

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
જામનગરના 14 વર્ષના સગીરને માર મારવા મામલે હાઈકોર્ટનો SPને તપાસનો આદેશ 1 - image


Jamnagar News : જામનગરમાં 14 વર્ષના એક સગીરને સિટી બી.ડિવિઝન પોલીસ મથકમાં માર મારવાના ચકચારભર્યા કેસમાં ગુજરાત હાઇકોર્ટે સ્થાનિક પોલીસને ફટકાર લગાવ્યા બાદ સરકારપક્ષ તરફથી હાઇકોર્ટ સમક્ષ નિવેદન કરાયું હતું કે, આ કેસમાં ખુદ જામનગરના એસપી (સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ)એ આ મામલામાં તપાસ કરશે, અને બધુ વિગતો અને હકીકતો ધ્યાનમાં લઈ યોગ્ય નિર્ણય કરશે. જેમાં એસ.પી. દ્વારા તપાસ કરાયા પછી કેસને લગત પુરાવાઓ હાઇકોર્ટ સમક્ષ રજુ કરી દેવામાં આવ્યા હતા. સરકાર પક્ષની હૈયાધારણાં બાદ હાઈકોર્ટએ પીડિત પરિવારની પિટિશનનો નિકાલ કર્યો હતો. 

સૌ પ્રથમ હાઈકોર્ટે ગંભીર ટકોર કરી હતી કે, લોકોને જિલ્લાના પોલીસવડામાં વિશ્વાસ હોય છે. તે બાબતને ધ્યાનમાં રાખીને જામનગર એસપી સમગ્ર મામલામાં પર્સનલી જુએ અને યોગ્ય નિર્ણય લે. હાઇકોર્ટે અરજદારપક્ષને જો કોઈ તકલીફ ઉભી થાય તો ફરીથી હાઈકોર્ટમાં રિટ અરજી કરવાની પણ મંજૂરી આપી હતી. 

જામનગરમાં સિટી બી. ડિવીઝન પોલીસમથકમાં તાજેતરમાં ધોરણ-8માં અભ્યાસ કરતાં એક સગીરના પરિવાર સહિત 15 વ્યક્તિ સામે હત્યા પ્રયાસ સહિતના ગુન્હાની ફરિયાદ નોંધાવાઈ હતી. જેમાં પોલીસે તપાસના કામે તમામને બોલાવ્યા પછી સગીરને માર માર્યો હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ હતો.

જે મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. અને સગીરને માર મારવાના પ્રકરણમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગંભીરતા દાખવી સમગ્ર પ્રકરણની જિલ્લા પોલીસ વડા તપાસ કરે એ પ્રકારેનો આદેશ કર્યો હતો. જે પ્રકરણની ડીવાયએસપી તપાસ ચલાવી રહ્યા હતા, બાદ જિલ્લા પોલીસવડાએ પણ સમગ્ર પ્રકરણને ધ્યાનમાં લીધું હતું.

સગીરના પરિવાર દ્વારા એવો આક્ષેપ કરાયો હતો, કે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સગીર હાજર ન હતો. પરંતુ પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી, અને તેમાં સીસીટીવી કેમેરાના ફૂટેજમાં સગીરની પણ હાજરી જોવા મળી હતી. જે તમામ પુરાવાઓ વગેરે એકત્ર કરીને જામનગર પોલીસ દ્વારા ગઈકાલે હાઇકોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા હતા, અને આખરે આ પીટીસનનો નિકાલ થયો છે.


Google NewsGoogle News