જામનગરમાં સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન સામે વહેલી સવારે ઝાડ ધરાસાઈ થતાં ભારે દોડધામ

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
જામનગરમાં સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન સામે વહેલી સવારે ઝાડ ધરાસાઈ થતાં ભારે દોડધામ 1 - image


- ઝાડની ડાળીઓ 11 કે.વી. વાલકેશ્વરી ફીડરના પોલ પર પડતાં વાયરો તૂટવાથી વીજ પુરવઠો ખોરવાયો

- વહેલી સવારે સ્કૂલે જઈ રહેલી વિદ્યાર્થીનીઓનો આબાદ બચાવ: વીજ તંત્ર અને ફાયર વિભાગ દોડતું થયું

જામનગર,તા.01 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર

જામનગરમાં સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના ભાગમાં આજે વહેલી સવારે સાતેક વાગ્યાના અરસામાં એક એક મોટું ઝાડ મૂળમાંથી ઉખડીને ધરાસાઇ થયું હતું, અને માર્ગ પર પડ્યું હતું. જે વેળાએ ત્યાંથી પસાર થઈ રહેલી અને સ્કૂલે જઈ રહેલી બે વિદ્યાર્થીનીઓ આબાદ બચાવ થયો હતો, ઉપરાંત ઝાડની ડાળીઓ વાલકેશ્વરી નગરી વિસ્તારના વીજ ફીડરના પોલ પર પડતાં વાયરો તૂટવાના કારણે આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો, અને વિજ તંત્ર તેમજ ફાયરવિભાગનું તંત્ર દોડતું થયું હતું.

જામનગરમાં સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન સામે વહેલી સવારે ઝાડ ધરાસાઈ થતાં ભારે દોડધામ 2 - image

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન અને એસ.પી. કચેરીની સામેના ભાગમાં મેઇન રોડ પર એક મોટું ઝાડ તૂટીને માર્ગ પર પડ્યું હતું, આ વેળાએ ત્યાંથી ટુ-વ્હીલર પર શાળાએ જઇ રહેલી વિદ્યાર્થીનીઓ સહેજમાં રહી ગઈ હતી, અને સદભાગ્ય તેણીનો બચાવ થયો હતો.

 આ બનાવ અંગે ફાયર બ્રિગેડ શાખાને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને માર્ગ પડેલા ઝાડની ડાળીઓને કરવત થી કાપી નાખી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. 

આ ઉપરાંત ઝાડની ડાળી પાસે જ આવેલા વાલ્કેશ્વરી નગરીના ઇલેવન કે.વી. વિજ ફીડરના પોલ પર પડવાના કારણે વીજ વાયરો તૂટ્યા હતા. જેથી પણ ભારે દોડધામ થઈ હતી, અને આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો.

 જેની જાણકારી મળતાં સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનના નાયબ ઇજનેર અજય પરમાર તથા એચ.ટી.વિભાગના  ડી.ડી.મારુની રાહબરી હેઠળની વિજ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સૌ પ્રથમ વીજ પુરવઠો બંધ કરાવ્યા પછી તૂટી ગયેલા વિજ વાયર અને વીજપોલ વગેરેની સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી. અને વીજ પુરવઠો પૂર્વવત બનાવ્યો હતો.


Google NewsGoogle News