હનુમાન જયંતિ પર જામનગરના શ્રી ફુલિયા હનુમાન મંદિરના પૂજારી દ્રારા હનુમંત પ્રતાપે સિંદૂરપાન !
Hanuman Jayanti Jamnagar : 'છોટીકાશી' જામનગરમાં પવનચક્કી પાસે કિસાન ચોક નજીક આવેલ શ્રી ફુલિયા હનુમાનજીનાં 450 વર્ષથી વધુ પ્રાચીન મંદિરે હનુમાન જયંતિનાં દિને ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. અહીં હનુમાન જયંતિ પર પૂજારી પર હનુમાનજી કૃપા કરતા હોવાની માન્યતા છે જેનાં પ્રતાપે પૂજારી સિંદૂરપાન કરે છે અને ભક્તોને આશીર્વાદ પાઠવે છે.
આજે પણ વહેલી સવારે પૂજારી પર હનુમાનજીનાં શક્તિપાતનાં અવસરનાં સાક્ષી બનવા ફુલીયા હનુમાન મંદિરે હજારો ભક્તો ઉમટી પડ્યા હતાં. પૂજારી દ્વારા હનુમાનજીની આજ્ઞા લઇ સિંદૂરપાન કરવામાં આવ્યું હતું. આ તકે પૂજારીના દેહમાં પ્રચંડ ચૈતન્યનો પ્રવેશ થયો હોવાની શ્રદ્ધા સાથે ભક્તોએ આશીવાર્દ મેળવ્યા હતાં. ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, દંડક કેતનભાઇ નાખવા સહિતનાં અગ્રણીઓ તથા બહારગામથી આવેલા સેંકડો હનુમાન ભક્તો સહિત હજારો શ્રદ્ધાળુઓએ આ અવસરનાં સાક્ષી બન્યા હતા પૂજારીની ભાવ ભંગિમાઓમાં હનુમાનજીનાં પ્રતાપની ઝાંખી અનુભવી હનુમાન ભક્તિમાં શિષ ઝૂકાવ્યું હતું.